દિલ્હીની હોટેલ પર પહોંચીને ઢોલ-નગારાંની ધૂન પર ચૅમ્પિયન્સે કર્યા ભાંગડા

05 July, 2024 01:02 PM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

આ હોટેલમાં ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા લગભગ ૭૦ લોકોના રૂમ બુક કરવામાં આવ્યા હતા. 

ભાંગડા કરતો રોહિત શર્મા

દિલ્હી ઍરપોર્ટથી ૮.૫ કિલોમીટરનું અંતર કાપીને ભારતીય ટીમની બસ ફાઇવસ્ટાર હોટેલ ITC મૌર્યમાં પહોંચી હતી. ચૅમ્પિયન્સના સ્વાગતમાં અહીં ઢોલ-નગારાં અને સ્પેશ્યલ કેક સહિતની તૈયારીઓ કરવામાં આવી હતી. કૅપ્ટન રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ અને રિષભ પંત ટ્રાવેલિંગના થાક છતાં ઢોલ-નગારાંની ધૂન પર ભાંગડા કરવા મજબૂર થયા હતા. ટીમ જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે હોટેલથી નીકળી રહી હતી ત્યારે હોટેલની શેફ ટીમ દ્વારા બનાવવામાં આવેલી થ્રી-લેયર્ડ કેક કટ કરીને વિરાટ કોહલી, હેડ કોચ રાહુલ દ્રવિડ અને રોહિત શર્માએ જીતની ઉજવણી હોટેલ સ્ટાફ સાથે કરી હતી. આ હોટેલમાં ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા લગભગ ૭૦ લોકોના રૂમ બુક કરવામાં આવ્યા હતા. 

દિલ્હીમાં રોહિત ઍન્ડ કંપનીને મળી સ્પેશ્યલ ચૅમ્પિયન્સ જર્સી

કૅપ્ટન રોહિત શર્મા સહિતની ભારતીય ટીમ જ્યારે દિલ્હીની ITC મૌર્ય હોટેલમાં પહોંચી ત્યારે તેમના હોટેલ-રૂમમાં તેમને એક સ્પેશ્યલ જર્સી મળી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત પહેલાં સંજુ સૅમસને આ નવી જર્સીનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો જેમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. T20 વર્લ્ડ કપ પહેલાં ભારતીય ટીમની જર્સી પર ભારતીય ક્રિકેટ બોર્ડના લોગો પર એક સ્ટાર હતો, પણ હવે ભારતની T20 જર્સી પર બે સ્ટાર જોવા મળશે. આ સ્ટાર ૨૦૦૭ અને ૨૦૨૪ની T20 વર્લ્ડ કપ ફાઇનલ જીતની યાદ અપાવશે. રોહિત ઍન્ડ કંપનીને મળેલી આ સ્પેશ્યલ જર્સી પર ચૅમ્પિયન્સ પણ લખ્યું હતું. 

national news delhi news new delhi indian cricket team delhi airport