પીએમ કૅર્સ સરકારી ફન્ડ નથી

01 February, 2023 11:38 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વડા પ્રધાન કાર્યાલયે દિલ્હી હાઈ કોર્ટમાં દાખલ કર્યું ઍફિડેવિટ

નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે દિલ્હી હાઈ કોર્ટને જણાવ્યું હતું કે ધ પીએમ કૅર્સ ફન્ડ કોઈ સરકારી ફન્ડ નથી એથી એના વિશે માહિતી અધિકાર કાયદા હેઠળ માહિતી માગી શકાય નહીં. વડા પ્રધાન કાર્યાલય દ્વારા દાખલ કરવામાં આવેલા ઍફિડેવિટમાં જણાવ્યા મુજબ પીએમ કૅર્સ ટ્રસ્ટ એક માનદ ધોરણે કામ કરે છે. પારદર્શક રીતે ફન્ડનું ઑડિટ કરવામાં આવે છે. એથી બંધારણની રીતે અને આરટીઆઇ ઍક્ટ મુજબ એની માહિતી જાહેર કરવાની જરૂર નથી. દિલ્હી હાઈ કોર્ટમાં અરજી કરનારે પીએમ કૅર્સને આરટીઆઇ ઍક્ટ હેઠળ લાવવાની માગણી કરી હતી. 

હાઈ કોર્ટે આ મામલે સૉલિસિટર જનરલ તુષાર મહેતાને જવાબ આપવા જણાવ્યું હતું. પીએમઓ દ્વારા દાખલ કરવામાં આવેલા ઍફિડેવિટમાં જણાવ્યું હતું કે આ ફન્ડની સ્થાપના ભારતના બંધારણ દ્વારા સંસદ કે રાજ્યની વિધાનસભા દ્વારા બનાવવામાં આવેલા કાયદા અન્વયે બનાવાઈ નથી. આ ટ્રસ્ટ કોઈ સરકારની માલિકીનું નથી. કેન્દ્ર કે રાજ્ય સરકારોનું એના પર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ નિયંત્રણ નથી. પીએમ કૅર માત્ર વ્યક્તિગત કે સંસ્થાઓના સ્વૈ​ચ્છિક દાનને સ્વીકારે છે. સરકારી કે જાહેર ક્ષેત્રના કોઈ પણ દાનને સ્વીકારતું નથી. 

વળી આ ફન્ડને માત્ર ચૅરિટેબલ હેતુથી જ બનાવાયું છે. ફન્ડનો ઉપયોગ ગવર્મેન્ટ પ્રોજેક્ટમાં કરાતો નથી. એથી એને પબ્લિક ઑથોરિટી ગણાવી શકાય નથી.  

national news new delhi delhi high court indian government narendra modi