06 November, 2022 09:16 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કેન્દ્ર સરકારે દિલ્હી હાઈ કોર્ટને જણાવ્યું છે કે રાષ્ટ્રગાન જન ગણ મન અને રાષ્ટ્રગીત વન્દે માતરમ્ એકસમાન છે અને નાગરિકોએ બન્નેને એકસમાન સન્માન આપવું જોઈએ. જોકે વન્દે માતરમ્ ગાવા કે વગાડવા વિશે કોઈ સત્તાવાર સૂચના કે દંડની જોગવાઈઓ નથી, પરંતુ વન્દે માતરમ્ ભારતીયોના માનસ અને હૃદયમાં ખાસ સ્થાન ધરાવે છે.
લૉયર અશ્વિની કુમાર ઉપાધ્યાય દ્વારા કરવામાં આવેલી જનહિતની અરજીના જવાબમાં ઍફિડેવિટમાં ગૃહ મંત્રાલય દ્વારા આ રજૂઆત કરવામાં આવી હતી. આ જનહિતની અરજીમાં એ સુનિશ્ચિત કરવાની માગણી કરવામાં આવી હતી કે વન્દે માતરમ્નું રાષ્ટ્રગાન જેટલું જ સન્માન થાય અને એને એના સમાન દરજ્જો આપવામાં આવે. આ અરજીમાં તમામ શાળાઓ અને શિક્ષણ સંસ્થાઓમાં વંદે માતરમ્ અને રાષ્ટ્રગાન જન ગણ મન ફરજિયાત વગાડવાનો આદેશ આપવાની પણ માગણી કરવામાં આવી હતી.
અદાલતને એવી પણ માહિતી આપવામાં આવી હતી કે વન્દે માતરમ્ને પ્રમોટ કરવાનો મુદ્દો આ પહેલાં સુપ્રીમ કોર્ટમાં પણ લાવવામાં આવ્યો હતો. જોકે અદાલતે એમ કહીને ‘કોઈ ચર્ચામાં ઊતરવાની’ ના પાડી હતી કે બંધારણમાં રાષ્ટ્રીય ગીતનો કોઈ રેફરન્સ નથી.
અશ્વિની કુમારે કહ્યું હતું કે ‘દરેક ભારતીયની ફરજ છે કે તે વંદે માતરમ્નું સન્માન કરે. વંદે માતરમ્ અને રાષ્ટ્રગાનને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે એક રાષ્ટ્રીય નીતિ તૈયાર કરવી જોઈએ.’