22 December, 2022 11:26 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાં
નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીને એક લેટર લખીને જણાવ્યું છે કે ભારત જોડો યાત્રામાં કોરોનાના નિયમોનું પાલન કરવામાં આવે અથવા તો દેશના હિતમાં એને સ્થગિત કરી દેવી જોઈએ.
જોકે એના જવાબમાં કૉન્ગ્રેસે ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલા પ્રચારનો ઉલ્લેખ કર્યો હતો. કૉન્ગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ જણાવ્યું હતું કે ‘બીજેપીને ભારત જોડો યાત્રાથી ડર લાગી રહ્યો છે, કેમ કે રાહુલ ગાંધીને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે અને તેઓ સોશ્યલ મીડિયા પર છવાઈ ગયા છે.’
પ્રધાને આ પત્રમાં લખ્યું હતું કે ‘રાજસ્થાનમાં ચાલી રહેલી ભારત જોડો યાત્રામાં કોવિડ ગાઇડલાઇન્સનું સંપૂર્ણપણે પાલન થાય, જેમ કે માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ કરવામાં આવે અને કોરોનાની રસી લેનારા લોકોને જ યાત્રામાં સામેલ કરાય એની ખાતરી કરવી જોઈએ.
યાત્રામાં સામેલ થયા બાદ લોકોને આઇસોલેટ કરવામાં આવે. આ કોવિડ પ્રોટોકોલનો અમલ કરવો શક્ય ન હોય તો પબ્લિક હેલ્થ ઇમર્જન્સીની સ્થિતિને ધ્યાનમાં રાખીને દેશને કોરોનાની મહામારીથી બચાવવા માટે ભારત જોડો યાત્રાને દેશહિતમાં સ્થગિત કરી દેવાની અપીલ છે.’