કેન્દ્ર સરકારે કુમાર વિશ્વાસને આપી Y શ્રેણીની સુરક્ષા, જાણો કારણ

19 February, 2022 08:33 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

શ્વાસે પંજાબમાં વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન કેજરીવાલ પર અલગતાવાદીઓને સમર્થન કરવાનો આરોપ લગાવ્યો હતો.

ફાઇલ તસવીર

કેન્દ્ર સરકારે આમ આદમી પાર્ટી (AAP)ના પૂર્વ નેતા કુમાર વિશ્વાસને Y શ્રેણીની સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો છે. હવે કુમાર વિશ્વાસને કેન્દ્રીય સુરક્ષા એજન્સી CRPF દ્વારા Y શ્રેણીની સુરક્ષા પૂરી પાડવામાં આવશે. વિશ્વાસના AAP કન્વીનર અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ પર આરોપો મૂક્યા પછી આ પગલું લેવામાં આવ્યું છે.

આ પહેલા ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે સરકાર કુમાર વિશ્વાસની સુરક્ષાની સમીક્ષા કરી રહી છે. ઇન્ટેલિજન્સ ઇનપુટ્સના આધારે ધમકીની સમીક્ષા અને મૂલ્યાંકન કર્યા પછી, તેમને સુરક્ષા આપવામાં આવી છે.

સમીક્ષા પછી, વિશ્વાસને કેન્દ્રીય સુરક્ષા એજન્સી CRPF દ્વારા Y શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે. વિશ્વાસે પંજાબમાં વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન કેજરીવાલ પર અલગતાવાદીઓને સમર્થન કરવાનો આરોપ લગાવ્યો હતો. પંજાબ વિધાનસભા ચૂંટણી માટે 20 ફેબ્રુઆરીએ મતદાન થશે.

Y કેટેગરીની સુરક્ષામાં કુલ 11 સુરક્ષાકર્મીઓ સામેલ છે. જેમાં બે PSO (ખાનગી સુરક્ષા ગાર્ડ) પણ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા કોઈ ચોક્કસ વ્યક્તિની સુરક્ષાનું મૂલ્યાંકન કર્યા પછી, તેના આધારે તેમને સુરક્ષા આપવામાં આવે છે. દેશમાં સુરક્ષા પ્રણાલીને ચાર તબક્કામાં વહેંચવામાં આવી છે, જેમાં Z+ ટોચ પર છે, ત્યારબાદ Z, Y અને X શ્રેણીની સુરક્ષા છે.

જણાવી દઈએ કે કુમાર વિશ્વાસે દાવો કર્યો હતો કે “દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલનું સપનું પંજાબના સીએમ અથવા ખાલિસ્તાનનું પીએમ બનવાનું છે.” કુમાર વિશ્વાસે અરવિંદ કેજરીવાલ પર આરોપ લગાવતા કહ્યું હતું કે “તેમણે (કેજરીવાલે) મને એકવાર કહ્યું હતું કે તેઓ પંજાબના સીએમ અથવા ખાલિસ્તાનના પીએમ બનવાનું સપનું જોઈ રહ્યા છે.”

કેન્દ્ર સરકારે આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને કવિ કુમાર વિશ્વાસના દાવાને ગંભીરતાથી લીધો છે. શુક્રવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્નીના પત્રના જવાબમાં આ મામલાને ગંભીરતાથી લેવાનું આશ્વાસન આપ્યું છે.

national news kumar vishwas arvind kejriwal