કૅબિનેટે ‘વાઇબ્રન્ટ વિલેજિસ પ્રોગ્રામ’ માટે ૪૮૦૦ કરોડની ફાળવણી કરી

16 February, 2023 11:45 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ઉત્તર ભારતમાં સીમાને અડીને આવેલાં ગામોનો સમૂળગો વિકાસ કરવા માટે આ કેન્દ્રીય યોજના લાવવામાં આવી છે

નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

નવી દિલ્હી (પી.ટી.આઇ.) : કેન્દ્રીય કૅબિનેટે ગઈ કાલે ‘વાઇબ્રન્ટ વિલેજિસ પ્રોગ્રામ’ માટે ૪૮૦૦ કરોડ રૂપિયાની ફાળવણીને મંજૂરી આપી હતી. ઉત્તર ભારતમાં સીમાને અડીને આવેલાં ગામોનો સમૂળગો વિકાસ કરવા માટે આ કેન્દ્રીય યોજના લાવવામાં આવી છે, જેની પાછળ સુરક્ષાનો પણ હેતુ રહેલો છે. 

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે ગઈ કાલે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી એક મીટિંગમાં આ યોજના માટેની નાણાકીય ફાળવણીને મંજૂરી આપવામાં આવી છે, જેમાં માર્ગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે ૨૫૦૦ કરોડ રૂપિયાને સામેલ કરવામાં આવશે. વાઇબ્રન્ટ વિલેજિસ પ્રોગ્રામની ગયા વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. 

આ યોજના હેઠળ ચાર રાજ્યો-હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ તેમ જ લદાખમાં ૧૯ જિલ્લા અને ૪૬ બૉર્ડર બ્લૉક્સમાં જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે ભંડોળ ફાળવવામાં આવશે. 

આઇટીબીપી માટે ૭ બટૅલ્યન

કેન્દ્ર સરકારે ગઈ કાલે વાસ્તવિક અંકુશ રેખા પર બૉર્ડરની સુરક્ષાની જવાબદારી સંભાળતા ઇન્ડો-તિબેટિયન બૉર્ડર પોલીસ (આઇટીબીપી) માટે નવા ઑપરેશનલ બેઝ સિવાય ૭ નવી બૉર્ડર બટૅલ્યન્સ બનાવવા માટે ૯૪૦૦ વધુ જવાનોની ભરતી માટે મંજૂરી આપી હતી. 

દેશમાં સહકારિતાને મજબૂત કરવા માટે નિર્ણ‌ય

કેન્દ્રીય પ્રધાનમંડળે દેશમાં સહકારિતાને મજબૂત કરવા માટે આગામી પાંચ વર્ષમાં જેને કવર કરવામાં આવ્યાં નથી એવાં ગામોમાં બે લાખ નવી પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળી અને ડેરી-ફિશરી મંડળીઓ સ્થાપવાને મંજૂરી આપી હતી. અત્યારે સમગ્ર દેશમાં લગભગ ૯૯,૦૦૦ પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીમાંથી અંદાજે ૬૩,૦૦૦ સક્રિય છે. હજી ૧.૬ લાખ પંચાયતોમાં પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળી નથી, જ્યારે લગભગ બે લાખ પંચાયતોમાં કોઈ પણ ડેરી સહકારી મંડળી નથી. કેન્દ્ર સરકારે કૉ-ઑપરેટિવ મૂવમેન્ટને મજબૂત કરવા માટે અનેક પગલાં લીધાં છે.

national news indian government new delhi narendra modi