ભારતના સેલિબ્રિટી શેફ સંજીવ કપૂરે ફ્લાઇટમાં અપાયેલા નાસ્તાની કરી ઐતી તૈસી

28 February, 2023 01:31 PM IST  |  Nagpur | Gujarati Mid-day Online Correspondent

શેફ સંજીવ કપૂરે કહ્યું, ‘ભારતીયોએ આવું ખાવાનું?’ : જવાબમાં એર ઇન્ડિયાએ આપ્યું વચન

ફાઇલ તસવીર

ભારતના સેલિબ્રિટી શેફ સંજીવ કપૂર (Sanjeev Kapoor)એ તાજેતરમાં શેર કરેલો વીડિયો ખુબ વાયરલ થયો છે. એર ઇન્ડિયા (Air India)ની ફ્લાઇટમાં પિરસવામાં આવેલા ઠંડા બ્રેકફાસ્ટનો ફોટો સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હતો જેને લઈને બહુ ચર્ચા ચાલી રહી છે.

સેલિબ્રિટી શેફ સંજીવ કપૂરે સોમવારે એર ઇન્ડિયાના ઇન-ફ્લાઇટ ભોજન પર આકરા પ્રહારો કર્યા હતા. નાગપુર ()થી મુંબઈ ()ની ફ્લાઇટમાં પીરસવામાં આવેલા ભોજનથી નાખુશ શેફે ટ્વિટર પર બ્રેકફાસ્ટ વિશે ફરિયાદ કરી હતી. શેફે કહ્યું કે, તરબૂચ, કાકડી, ઓછા ફિલિંગ સાથેની સેન્ડવીચ અને ખાંડની ચાસણી જેવી મીઠાઈ સાથે ઠંડા ચિકન ટીક્કા પીરસવામાં આવ્યા હતા.

ટ્વીટર પર ફૂડની તસવીરો શેર કરતાં સંજીવ કપૂરે લખ્યું છે કે, ‘જાગો @airindiain. નાગપુર-મુંબઈ ૦૭૪૦ ફ્લાઈટ. તરબૂચ, કાકડી, ટામેટા અને સેવ સાથે કોલ્ડ ચિકન ટિક્કા, મેયો સાથે કાપેલી કોબીની ઓછા ફિલિંગ વાળી સેન્ડવિચ, સ્વીટ ક્રીમ અને પીળા ગ્લેઝ સાથે કોટેડ સુગર સીરપ સ્પોન્જ.’

અન્ય એક ટ્વિટમાં તેમણે લખ્યું કે, ‘ખરેખર શું ભારતીયોએ નાસ્તામાં આ ખાવું જોઈએ?’

શેફ સંજીવ કપૂરના આ ટ્વિટના જવાબમાં એર ઈન્ડિયાએ ટ્વિટ કર્યું કે, ‘સર, તમારો પ્રતિસાદ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે અમારી સેવાઓને સતત અપગ્રેડ કરી રહ્યા છીએ. આશા છે કે ભવિષ્યમાં ફ્લાઇટમાં તમારો  ભોજનનો અનુભવ સારો થશે.’

આ ટ્વિટના જવાબમાં સંજીવ કપૂરે લખ્યું છે કે, તમારા પ્રતિભાવની પ્રશંસા કરું છું. હું સારી રીતે કહેવા માંગુ છું અને નિષ્ઠાપૂર્વક આશા રાખું છું કે સેવાઓનું સંપૂર્ણ ઓડિટ થશે જેથી પ્રવાસીઓનો અનુભવ હંમેશા સારો રહે. હું તમામ નિષ્ઠાવાન પ્રયાસોને સમર્થન આપવાનું ચાલુ રાખીશ. આજની ફ્લાઇટ, ક્રૂ દ્વારા સેવા અને સમયસર કામગીરી થમ્બ્સ અપને પાત્ર છે.’

ત્યારબાદ એર ઇન્ડિયાએ ફરી ટ્વિટ કરીને જવાબ આપ્યો છે કે, ‘પ્રિય મિસ્ટર કપૂર, અમારો સંપર્ક કરવા અને તમારો પ્રતિસાદ શેર કરવા બદલ અમે તમારી પ્રશંસા કરીએ છીએ. અમારો ઉદ્દેશ્ય તમને શ્રેષ્ઠ સેવા આપવાનો અને બોર્ડ પર સ્વસ્થ, આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ ખોરાક આપવાનો છે. અમને ખાતરી છે કે આગલી વખતે જ્યારે તમે અમારી સાથે ઉડાન ભરશો ત્યારે તમે અમને શ્રેષ્ઠ સેવા કરવાની બીજી તક આપશો.’

આ પણ વાંચો - તમારા ઑર્ડરથી અમારે ત્યાં નોકરીની તકો ખૂલશે એવું કેમ અમેરિકા અને યુરોપ જેવા દેશે તાતાને કહેવું પડ્યું?

તમને જણાવી દઈએ કે, એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ભોજનની ગુણવત્તા બાબતે પહેલાં પણ પ્રવાસીઓ અનેકવાર ફરિયાદ કરી ચુક્યાં છે.

mumbai mumbai news nagpur air india mumbai airport sanjeev kapoor