ચીફ ઇલેક્શન કમિશનરે ઉત્તરાખંડના ભૂતિયા ગામમાં માઇનસ ટેમ્પરેચરમાં વિતાવવી પડી હતી રાત

18 October, 2024 07:20 AM IST  |  Dehradun | Gujarati Mid-day Correspondent

રાજીવ કુમારના હેલિકૉપ્ટરને ખરાબ હવામાનને લીધે મન્સુઆરીમાં આવેલા રલામ નામના ભૂતિયા ગામમાં ઉતારવું પડ્યું હતું

ગઈ કાલે ચીફ ઇલેક્શન ઑફિસર રાજીવ કુમારને હેલિકૉપ્ટરમાં પાછા મન્સુઆરી લાવવામાં આવ્યા હતા

દેશના ચીફ ઇલેક્શન કમિશનર રાજીવ કુમાર બુધવારની રાત ક્યારેય નહીં ભૂલે. ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા પોલિંગ બૂથ સુધી પહોંચવામાં તેમની ટીમને કેવી તકલીફનો સામનો કરવો પડે છે એનો જાત અનુભવ કરવા ગયેલા રાજીવ કુમારના હેલિકૉપ્ટરને ખરાબ હવામાનને લીધે મન્સુઆરીમાં આવેલા રલામ નામના ભૂતિયા ગામમાં ઉતારવું પડ્યું હતું. બરફથી ઢંકાયેલા આ ગામમાં ૨૮ ઘર છે, પણ ત્યાં અત્યારે એક પણ વ્યક્તિ નથી રહેતી. આને લીધે એને ભૂતિયું ગામ કહેવામાં આવે છે. રાજીવ કુમાર, ઉત્તરાખંડના ઍડિશનલ ચીફ ઇલેક્શન ઑફિસર વિજય કુમાર, તેમના પર્સનલ સિક્યૉરિટી ઑફિસર નવીન કુમાર અને બે પાઇલટે આખી રાત આ ગામમાં માઇનસ ટેમ્પરેચરમાં વિતાવવી પડી હતી. રાજીવ કુમાર પિથોરાગઢ જિલ્લામાં આવેલા છેલ્લા ગામ મિલામ જઈ રહ્યા હતા. જોકે ગઈ કાલે સવારે વાતાવરણ સામાન્ય થયા બાદ તેમના હેલિકૉપ્ટરને મન્સુઆરી લાવવામાં આવ્યું હતું.

election commission of india uttarakhand national news