20 November, 2024 11:44 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ફેસબુક અને વૉટ્સઍપ
ધ કૉમ્પિટિશન કમિશન ઑફ ઇન્ડિયા (CCI)એ ફેસબુક અને વૉટ્સઍપની પેરન્ટ કંપની મેટાને ૨૧૩.૧૪ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ દંડ ૨૦૨૧માં વૉટ્સઍપની પ્રાઇવસી પૉલિસીના અપડેટ સંદર્ભમાં ગરબડ માટે લગાવવામાં આવ્યો હતો અને તપાસમાં જાણવા મળ્યું હતું કે કંપનીએ યુઝર-ડેટા એકઠો કર્યો હતો અને બીજી કંપની સાથે શૅર પણ કર્યો હતો.
૨૦૨૧ના જાન્યુઆરીમાં વૉટ્સઍપે એના યુઝર્સને એની પ્રાઇવસી પૉલિસીમાં ફેરફાર કર્યાનું જણાવ્યું હતું. યુઝર્સે એ ૮ ફેબ્રુઆરી સુધીમાં સ્વીકારવાનું જ હતું. નવા નિયમોને કારણે વૉટ્સઍપના વપરાશકારોને તેમનો ડેટા શૅર કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું હતું.
CCIને ૨૦૨૧માં આ અપડેટ અયોગ્ય લાગી હતી. આમાં યુઝર્સને આ અપડેટ સ્વીકારવા અથવા વૉટ્સઍપ છોડવાની મજબૂરી આવી હતી. મેટાએ એના માર્કેટ-પાવરનો ગેરકાયદે ઉપયોગ કર્યો હતો. CCIને લાગ્યું હતું કે વૉટ્સઍપનો ડેટા મેટાની બીજી કંપનીઓ સાથે શૅર કરવામાં આવી રહ્યો છે, એ પણ અયોગ્ય છે.
CCIએ વૉટ્સઍપને જણાવ્યું છે કે એણે આગામી પાંચ વર્ષ સુધી ઑનલાઇન જાહેરાતો માટે યુઝર-ડેટા મેટાની અન્ય કોઈ કંપની સાથે શૅર કરવાની જરૂર નથી. ત્યાર બાદ ડેટા-શૅરિંગ કાયદા લાગુ પડશે. નૉન-ઍડ્વર્ટાઇઝિંગ કારણો માટે વૉટ્સઍપે ડેટા-શૅરિંગ માટે કારણો જણાવવાં પડશે. દરેક પ્રકારના ડેટા-શૅરિંગ માટે સ્પષ્ટ કારણો હોવાં જરૂરી છે.
વૉટ્સઍપના યુઝર્સને ડેટા-શૅરિંગ રોકવા માટેનો વિકલ્પ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આના પરથી લાગી રહ્યું છે કે ભારતમાં વિદેશની મોટી ટેક કંપનીઓ પર નજર રાખવામાં આવી રહી છે.