સીબીઆઇએ ભૂતપૂર્વ અધિકારીને ત્યાંથી ૩૮.૩૮ કરોડની કૅશ જપ્ત કરી

04 May, 2023 12:13 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

તપાસ એજન્સીએ આ દરમ્યાન જમા કરવામાં આવેલી સંપત્તિના મામલે કેસ દાખલ કર્યો હતો. 

વાપકોસના ભૂતપૂર્વ સીએમડી આર. કે. ગુપ્તાના પ્રિમાઇસિસમાંથી સીબીઆઇ દ્વારા જપ્ત કરવામાં આવેલા ૩૮ કરોડ રોકડા રૂપિયા. તસવીર પી.ટી.આઇ.

સીબીઆઇએ વાપકોસ લિમિટેડના ભૂતપૂર્વ ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર રાજિન્દર કુમાર ગુપ્તા અને તેમના દીકરા ગૌરવની અપ્રમાણસર સંપત્તિના કેસમાં ગઈ કાલે ધરપકડ કરી હતી. સીબીઆઇએ ગુપ્તા અને તેમના ફૅમિલી મેમ્બર્સને ત્યાં સર્ચ ઑપરેશન દરમ્યાન ૩૮.૩૮ કરોડ રૂપિયા રિકવર કર્યા હતા. 

વાપકોસ આ પહેલાં વૉટર ઍન્ડ પાવર કન્સલ્ટન્સી સર્વિસિસ (ઇન્ડિયા) લિમિટેડ તરીકે જાણીતું હતું. એ સરકારની સંપૂર્ણ માલિકી ધરાવતો જાહેર ક્ષેત્રનો એકમ છે અને જલ શક્તિ મંત્રાલયના વ​હિવટીય કન્ટ્રોલમાં એ કામગીરી કરે છે. 

સીબીઆઇએ ગુપ્તા અને તેમના ફૅમિલી મેમ્બર્સને ત્યાં મંગળવારે સર્ચ ઑપરેશન શરૂ કર્યું હતું એટલું જ નહીં, ગુપ્તા, તેમનાં વાઇફ રીમા, દીકરા ગૌરવ અને દીકરી કોમલની વિરુદ્ધ અપ્રમાણસર સંપત્તિનો કેસ દાખલ કર્યો છે. 

વાપકોસમાં ગુપ્તાની મુદત પહેલી એપ્રિલ ૨૦૧૧થી ૩૧ માર્ચ ૨૦૧૯ દરમ્યાન રહી. તપાસ એજન્સીએ આ દરમ્યાન જમા કરવામાં આવેલી સંપત્તિના મામલે કેસ દાખલ કર્યો હતો. 

સીબીઆઇના પ્રવક્તાએ જણાવ્યું હતું કે રોકડા રૂપિયા અને કીમતી જ્વેલરીની સાથે જ આરોપીઓની અનેક મિલકતની જાણ થઈ છે જેમાં ફ્લૅટ, કમર્શિયલ યુનિટ્સ સિવાય દિલ્હી, ગુરુગ્રામ, પંચકુલા, સોનીપત અને ચંડીગઢસ્થિત ફાર્મહાઉસ સામેલ છે. તેમના પર રિટાયરમેન્ટ પછી દિલ્હીમાં એક પ્રાઇવેટ કન્સલ્ટન્સી બિઝનેસ કરવાનો પણ આરોપ છે.

national news central bureau of investigation new delhi