27 June, 2024 02:00 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે અરવિંદ કેજરીવાલને દિલ્હીની રાઉઝ અૅવન્યુ કોર્ટમાં લાવવામાં આવ્યા હતા
દિલ્હી શરાબ નીતિ કૌભાંડમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને જામીન મળ્યા નથી અને હવે તેમને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના ત્રણ દિવસ રિમાન્ડમાં મોકલી દેવામાં આવ્યા છે. હવે કેજરીવાલને ૨૯ જૂને સાંજે ૭ વાગ્યા પહેલાં ફરી કોર્ટમાં રજૂ કરવા પડશે. CBIએ તેમની પાંચ દિવસની કસ્ટડી માગી હતી.
ગઈ કાલે રાઉઝ ઍવન્યુ કોર્ટમાં અરવિંદ કેજરીવાલના વકીલોએ કહ્યું હતું કે ‘આ કેસમાં CBIએ તેમની એપ્રિલ મહિનામાં ૯ કલાક પૂછપરછ કરી હતી અને એથી તેમની ધરપકડ અયોગ્ય છે. એ સમયે તેમની પૂછપરછ એક વિટનેસ તરીકે થઈ હતી.’
ગઈ કાલે કોર્ટમાં કેજરીવાલે કહ્યું હતું કે ‘એ સમયે મેં તેમને ત્રણ પૉઇન્ટ કહ્યા હતા. અમારે રેવન્યુ વધારવી હતી. બીજું, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા ભીડ ઓછી કરવાની હતી અને ત્રણ, શહેરમાં યોગ્ય રીતે શરાબની દુકાનો ખોલવાનો ઉદ્દેશ હતો. મેં આ મુદ્દે મનીષ સિસોદિયાને સૂચના આપી હતી. જોકે ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં તેની ધરપકડ કરાઈ હતી.’
કેજરીવાલે આ કેસની સુનાવણી ૨૪ કલાક પડતી મૂકવા માટે માગણી કરી હતી જેથી તેઓ આ કેસની સ્ટડી કરી શકે.
જોકે આ સામે CBIએ કહ્યું હતું કે ‘અમારી સામે ખોટા આરોપ મૂકવામાં આવે છે. ચૂંટણીપ્રચાર વખતે પણ આરોપો લગાડવામાં આવ્યા હતા, પણ અમે કોર્ટની પરવાનગી લઈને કાર્યવાહી કરી હતી.’
આ એક ઇમર્જન્સી છે : સુનીતા કેજરીવાલ
અરવિંદ કેજરીવાલનાં પત્ની સુનીતા કેજરીવાલે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું હતું કે ‘૨૦ જૂને અરવિંદ કેજરીવાલને જામીન મળ્યા હતા, પણ EDએ અેના પર સ્ટે લગાવી દીધો. બીજા જ દિવસે CBIએ તેમને આરોપી બનાવી દીધા અને તેમની ધરપકડ કરી લીધી. આખું તંત્ર એ કોશિશમાં છે કે આ માણસ જેલમાંથી બહાર જ ન આવે. આ કાયદો નથી, તાનાશાહી છે, ઇમર્જન્સી છે.’
અરવિંદ કેજરીવાલ ઝૂકશે નહીં, તૂટશે નહીં : આમ આદમી પાર્ટી
આમ આદમી પાર્ટી (AAP)એ સોશ્યલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું હતું કે ‘તાનાશાહે જુલમની તમામ હદ પાર કરી દીધી છે. મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને જામીન મળવાની પૂરી સંભાવના હતી, પણ BJPએ ખોટો કેસ કરીને કેજરીવાલની ફરી ધરપકડ કરાવી દીધી છે. CBI કેજરીવાલને લઈને રાઉઝ ઍવન્યુ કોર્ટ પહોંચી ત્યાં તેમનું બ્લડશુગર લેવલ નીચે આવી ગયું હતું. તાનાશાહ તમે ગમે એટલા જુલમ વરસાવો, કેજરીવાલ ઝૂકશે નહીં અને તૂટશે નહીં.’