24 December, 2024 08:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
રાઇટ ટુ એજ્યુકેશન ઍક્ટ, ૨૦૧૯માં સુધારો કરીને પાંચમા અને આઠમા ધોરણમાં વિદ્યાર્થીઓ નાપાસ થાય તો પણ તેમને આગળના ધોરણમાં પ્રમોટ કરવાની ‘નો-ડિટેન્શન પૉલિસી’ ગઈ કાલે કેન્દ્ર સરકારે રદ કરી હતી. જોકે મહારાષ્ટ્રમાં તો આ પૉલિસી ૨૦૨૩ની ૭ ડિસેમ્બરે જ રાજ્ય સરકારે ગવર્નમેન્ટ રેઝોલ્યુશન (GR) બહાર પાડીને રદ કરી નાખી હતી.
હવેથી કેન્દ્ર સરકારની સ્કૂલમાં ભણતાં બાળકોએ પણ પાંચમા અને આઠમા ધોરણની પરીક્ષામાં પાસ થવાનું રહેશે. જો કોઈ વિદ્યાર્થી નાપાસ થશે તો બે મહિનાની અંદર ફરીથી પરીક્ષા લેવામાં આવશે અને એમાં પાસ થાય તો આગળના ધોરણમાં તેને પ્રમોટ કરવામાં આવશે, પણ જો રી-ટેસ્ટમાં પણ તે ફેલ થશે તો પછી આખું વર્ષ તેણે એ જ સ્ટાન્ડર્ડમાં ભણવું પડશે અને આખા વર્ષ દરમ્યાન વિદ્યાર્થીની સાથે જરૂર પડશે તો તેનાં પૅરન્ટ્સને પણ માર્ગદર્શન આપવામાં આવશે. જોકે સરકાર દ્વારા એ સ્પષ્ટતા કરવામાં આવી છે કે નાપાસ થયેલા વિદ્યાર્થીને કોઈ પણ સંજોગોમાં કાઢી મૂકવામાં નહીં આવે.
મહારાષ્ટ્રની જેમ કર્ણાટકે પણ આ પૉલિસી ક્યારની રદ કરી નાખી છે. અત્યાર સુધી ૧૬ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોએ આ પૉલિસી રદ કરીને પાંચમા અને આઠમા ધોરણમાં વિદ્યાર્થીઓએ પાસ થવું ફરજિયાત કરી નાખ્યું છે.