29 March, 2023 12:01 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે સંસદમાં બીજેપીની સંસદીય બેઠક દરમ્યાન વડા પ્રધાન મોદી સાથે નીતિન ગડકરી.
કેન્દ્રીય પ્રધાન અને બીજેપીના સિનિયર નેતા નીતિન ગડકરીએ રાજકારણ છોડવાના સંકેત આપ્યા છે. નાગુપમાં વનરાઇ ફાઉન્ડેશનના એક કાર્યક્રમમમાં રવિવારે બોલતાં તેમણે કહ્યું હતું કે ‘હું ભલે બે ચૂંટણીઓ જીત્યો હોઉં, પરંતુ મને તમે મત ત્યારે જ આપશો જ્યારે તમને લાગે કે આને મત આપવો જોઈએ. હું એક હદથી વધારે કોઈને ખુશ કરી ન શકું. જો મારે બદલે અન્ય કોઈ આવે તો મને કોઈ વાંધો નથી. હું મારાં જળસંચય, પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ જેવાં કામમાં વધુ સમય આપી શકીશ.’ જોકે આ મામલે તેમની ઑફિસના એક અધિકારીનો સંપર્ક કરવામાં આવતાં તેમણે કહ્યું હતું કે કેન્દ્રીય પ્રધાનના વક્તવ્યને ખોટી રીતે લેવામાં આવ્યું છે. તેમણે તુષ્ટીકરણના રાજકારણ કરવા માટે આવું કહ્યું હતું, કારણ કે ઘણા લોકો મત મેળવવા માટે તુષ્ટીકરણનું રાજકારણ કરે છે.
કેટલાક મહિના પહેલાં બીજેપીના સંસદીય બોર્ડમાં ગડકરીની ફરીથી નિમણૂક થઈ નથી. જેને કારણે તેઓ નારાજ છે એવી ચર્ચાઓ પણ ચાલે છે. ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીને એક વર્ષ બાકી છે એટલે ગડકરીના આવી નિવૃત્તિના વિચારોનો જાત-જાતનો અર્થ નીકળે છે.