17 December, 2022 09:06 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
ઉત્તર પ્રદેશમાં એક વ્યક્તિને વીજળીચોરીના નવ કેસમાં બબ્બે વર્ષ એટલે કે કુલ ૧૮ વર્ષની કેદ અને દંડની સજા કરવામાં આવી હતી. જોકે સુપ્રીમ કોર્ટે આ વ્યક્તિને રાહત આપીને મુક્ત કરી છે. અદાલતે આ આદેશ આપવા માટે વ્યક્તિગત સ્વતંત્રતા અને મૂળભૂત અધિકારોના રક્ષણની પોતાની ભૂમિકા વિશે જણાવ્યું હતું. અદાલતે એમ પણ કહ્યું હતું કે અમે અહીં આવા લોકોનું રુદન સાંભળવા માટે જ બેઠા છીએ.
કેદની સજા ભોગવી રહેલો અરજીકર્તા ઇકરામ વીજળીચોરીના અલગ-અલગ નવ કેસમાં દોષી પુરવાર થયો હતો. ટ્રાયલ કોર્ટે તમામ કેસમાં ઇલેક્ટ્રિસિટી ઍક્ટની કલમ ૧૩૬ અને આઇપીસીની કલમ ૪૧૧ હેઠળ અલગ-અલગ બબ્બે વર્ષ અને હજાર-હજાર રૂપિયાના દંડની સજા કરી હતી. આ નવ અલગ-અલગ કેસમાં બાકી કેટલાક આરોપીઓ હતા. જોકે આ તમામ કેસમાં માત્ર ઇકરામ કૉમન હતો એટલે તમામ નવ કેસમાં અન્ય આરોપીઓની સાથે તેને પણ બબ્બે વર્ષની સજા અપાઈ હતી.