03 June, 2024 04:36 PM IST | London | Gujarati Mid-day Correspondent
કૅમ્બ્રિજ યુનિવર્સિટીએ ‘ત્રીજો અંગૂઠો’ બનાવ્યો
આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સ માણસનું રોજબરોજનું કામ સરળ બનાવી રહ્યા છે. કૅમ્બ્રિજ યુનિવર્સિટીએ તાજેતરમાં આ જ હેતુથી રોબોટિક 3D-પ્રિન્ટેડ થમ એટલે કે ‘ત્રીજો અંગૂઠો’ બનાવ્યો છે. આ અંગૂઠો એક હાથેથી કરવામાં આવતા કામમાં મદદરૂપ બનશે. ખાસ કરીને આ પ્રોડક્ટ એવા લોકોને મદદ કરશે જેમણે એક હાથ ગુમાવ્યો હોય અને રોજિંદાં કામ કરવામાં મુશ્કેલી થતી હોય. યુનિવર્સિટીએ આ અંગૂઠાને ‘થર્ડ થમ’ નામ આપ્યું છે. ‘થર્ડ થમ’માં રહેલા સ્પેશ્યલ સેન્સરથી એને કન્ટ્રોલ કરી શકાય છે. આ થમ પહેરનારી વ્યક્તિ એક હાથેથી બૉટલ ખોલવી, ગ્લાસ પકડવો કે ફળની છાલ કાઢવા જેવાં કામ કરી શકશે. થર્ડ થમની મૂવમેન્ટ જે-તે યુઝર પર આધારિત હોય છે. યુઝર સેન્સર પર જેટલું પ્રેશર આપે એ મુજબ આ થમ કામ કરશે. જેમ-જેમ દબાણ ઘટાડવામાં આવે તેમ આ ‘થર્ડ થમ’ નૅચરલ સ્થિતિમાં આવી જશે. સંશોધકો આ પ્રોડક્ટને બનેએટલું સિમ્પલ રાખવા માગે છે જેથી લોકો જલદી એનો ઉપયોગ કરતાં શીખી જાય.