28 April, 2023 09:30 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં નાટકીય ઘટનાક્રમ જોવા મળ્યો છે. જસ્ટિસ એએસ બોપન્ના અને હિમા કોહલીની બેંચ રાત્રે 8.15 વાગ્યે વિશેષ સુનાવણી માટે બેઠી હતી અને કલકત્તા હાઈકોર્ટ (Calcutta High Court)ના જજ જસ્ટિસ અભિજિત ગંગોપાધ્યાય (Abhijit Gangopadhyay)ના આદેશ પર સ્ટે મૂક્યો હતો. જસ્ટિસ ગંગોપાધ્યાયે સુપ્રીમ કોર્ટના મહાસચિવને આદેશ આપ્યો હતો કે તેઓ કોર્ટમાં રાખેલા તેમના ઇન્ટરવ્યુનો સત્તાવાર અનુવાદ મધરાત્રે 12 સુધીમાં ઉપલબ્ધ કરાવે. જસ્ટિસ ગંગોપાધ્યાયે એમ પણ કહ્યું હતું કે તેઓ રાત્રે 12:15 સુધી તેમની ચેમ્બરમાં બેસીને રાહ જોશે.
જસ્ટિસ ગંગોપાધ્યાયે શું કહ્યું?
વાસ્તવમાં જસ્ટિસ ગંગોપાધ્યાયે એક ઈન્ટરવ્યુ આપ્યો હતો. પશ્ચિમ બંગાળના શિક્ષક ભરતી કૌભાંડ સંબંધિત અરજીઓ પર સુનાવણી કરી રહેલા ન્યાયમૂર્તિ ગંગોપાધ્યાયે આ મુલાકાતમાં રાજ્ય સરકારના ભ્રષ્ટાચારને લઈને ઘણી બધી વાતો કહી હતી. તેના આધારે સુપ્રીમ કોર્ટે આ મામલો તેમની પાસેથી હટાવવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ બાદ જસ્ટિસ ગંગોપાધ્યાયે આદેશ જાહેર કર્યો હતો કે તેમના ઈન્ટરવ્યુનો અનુવાદ તેમને આપવામાં આવે જે સુપ્રીમ કોર્ટમાં રાખવામાં આવ્યો હતો.
સોલિસિટર જનરલે શું કહ્યું?
મોડી સાંજે યોજાયેલી વિશેષ સુનાવણીમાં હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, “હાઈકોર્ટના જજે આવો આદેશ આપવો જોઈતો ન હતો. જસ્ટિસ બોપન્ના અને હિમા કોહલીની ખંડપીઠે પણ આ સાથે સહમત થઈને હાઈકોર્ટના સિંગલ જજના આદેશ પર સ્ટે મૂક્યો હતો. ન્યાયાધીશોએ સુપ્રીમ કોર્ટના મહાસચિવને આ આદેશ હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ અને રજિસ્ટ્રાર જનરલને સંબંધિત ન્યાયાધીશ (જસ્ટિસ ગંગોપાધ્યાય) સુધી પહોંચાડવા જણાવ્યું હતું.
શું છે મામલો?
જસ્ટિસ ગંગોપાધ્યાય શિક્ષક ભરતી કૌભાંડની તપાસ અંગે સતત આવા આદેશો જાહેર કરી રહ્યા હતા, જે પશ્ચિમ બંગાળના શાસક ટીએમસીના નેતાઓ વિરુદ્ધ હતા. તેમણે તાજેતરમાં ટીએમસી નેતા અભિષેક બેનર્જી સામે પણ તપાસના આદેશ આપ્યા હતા.
આ પણ વાંચો: એમ્બ્યુલન્સ સીધી હૉસ્પિટલમાં કેમ ન લઈ ગયા?સુપ્રીમ કોર્ટનો UP સરકારને સણસણતો સવાલ
આ પછી અભિષેક બેનર્જીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેમણે મીડિયાને આપેલા ઈન્ટરવ્યુના આધારે જજની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવ્યા હતા. આજે આ મામલે સુનાવણી કરતા ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની ખંડપીઠે શિક્ષક ભરતી કૌભાંડ કેસની સુનાવણી હાઈકોર્ટના અન્ય ન્યાયાધીશને સોંપવાનો આદેશ આપ્યો હતો.