મોદી ૩.૦ના પહેલા બજેટમાં ગ્રામીણ ભારત ને રોજગાર પર ફોકસ રહેશે : ગોલ્ડમૅન સાક્સ

10 July, 2024 11:45 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ ૨૩ જુલાઈએ મોદી સરકારની ત્રીજી ટર્મનું પહેલું બજેટ રજૂ કરવાનાં છે

નિર્મલા સીતારમણ

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ ૨૩ જુલાઈએ મોદી સરકારની ત્રીજી ટર્મનું પહેલું બજેટ રજૂ કરવાનાં છે અને ગોલ્ડમૅન સાક્સના ઇકૉનૉમિસ્ટો જણાવી રહ્યા છે કે આ બજેટ વેલ્ફેર સ્કીમો પર નાણાં ખર્ચવાને બદલે રોજગાર અને ગ્રામીણ ભારત પર વધારે ફોકસ ધરાવતું રહેશે. મોદી સરકાર વચગાળાના બજેટમાં નિર્ધારિત ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડ્યુસ (GDP)ના ૫.૧ ટકાના રાજકોષીય ખાધના લક્ષ્યાંકને વળગી રહેશે. બજેટમાં ઍરક્રાફ્ટ મૅન્યુફૅક્ચરિંગની સાથે-સાથે રમકડાં, કાપડ અને રેડીમેડ વસ્ત્રોના ઉત્પાદન જેવાં ક્ષેત્રોમાં નવા રોજગારનું સર્જન કરવામાં આવશે.

સોમવારે વૉલ સ્ટ્રીટ બૅન્ક ખાતેના ચીફ ઇન્ડિયા ઇકૉનૉમિસ્ટ સાંતનુ સેનગુપ્તાએ તેમની એક નોટમાં લખ્યું હતું કે સરકાર લેબર ઇન્ટેન્સિવ સેક્ટરમાં માઇક્રો, સ્મૉલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝમાં નવા રોજગારના સર્જન પર ધ્યાન આપશે અને ડોમેસ્ટિક ફૂડ-સપ્લાય ચેઇનને મજબૂત કરવા માટેનાં પગલાં લેવા પર ભાર મૂકશે.

ભારતમાં અર્થતંત્રના વિકાસનો દર ૭.૨ ટકા છે, પણ નવા રોજગારના સર્જનમાં એ પાછળ પડે છે. સરકારના લેબર ડિપાર્ટમેન્ટના આંકડા જણાવે છે કે ૨૦૧૭-’૧૮થી ૨૦૨૧-’૨૨માં દર વર્ષે બે કરોડ નવા રોજગારનું સર્જન થયું હતું. સિટીના ચીફ ઇન્ડિયા ઇકૉનૉમિસ્ટ સમીરન ચક્રવર્તીએ કહ્યું હતું કે સરકાર આગામી સમયમાં રોજગારના નિર્માણની જરૂરિયાત પૂરી નહીં કરી શકે, ૭ ટકાના વિકાસદરથી ૯૦ લાખ નવી નોકરીઓનું સર્જન થશે. 

nirmala sitharaman finance ministry national news narendra modi indian government