27 January, 2022 02:18 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અનિંદ્ય ચેટર્જી. તસવીર/સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ
કેન્દ્ર સરકારની સન્માન યાદીમાં સામેલ બંગાળના ત્રણેય લોકોએ પદ્મ પુરસ્કાર સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. ભાજપ સરકાર માટે આ એક મોટો ઝટકો છે, ખાસ કરીને પશ્ચિમ બંગાળથી, જ્યાં પાર્ટીને ગયા વર્ષે ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બુદ્ધદેવ ભટ્ટાચાર, જે ભાજપ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કટ્ટર ટીકાકાર હતા, તેમણે મંગળવારે સન્માન સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. આ પછી રાજ્યના બે નામાંકિત કલાકારો તબલાવાદક પંડિત અનિંદ્ય ચેટર્જી અને જાણીતા ગાયિકા સંધ્યા મુખોપાધ્યાયે પણ પદ્મ પુરસ્કાર ઠુકરાવી દીધો છે.
90 વર્ષીય સંધ્યા મુખોપાધ્યાય, જેમની પાસે આઠ દાયકાની ગાયકી કારકિર્દી છે, તેમણે ચોથા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રીને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે. તેમણે કહ્યું કે તેમના કદના કોઈ વ્યક્તિ માટે આ યોગ્ય નથી, પરંતુ જુનિયર કલાકાર માટે યોગ્ય છે. મુખોપાધ્યાયની પુત્રી સૌમી સેનગુપ્તાએ કહ્યું કે જ્યારે એવોર્ડ માટે દિલ્હીથી ફોન આવ્યો ત્યારે તેની માતાએ વરિષ્ઠ અધિકારીને કહ્યું કે આ ઉંમરે એવોર્ડ ઓફર કરવામાં આવતા તેણીને “અપમાન” લાગ્યું છે.
સેનગુપ્તાએ કહ્યું કે “એક જુનિયર કલાકાર પદ્મશ્રી માટે વધુ હકદાર છે, `ગીતાશ્રી` સંધ્યા મુખોપાધ્યાય નહીં. આ તેમના પરિવાર અને તેમના ગીતોના પ્રેમીઓએ અનુભવ્યું છે.”
બંગાળની શ્રેષ્ઠ ગાયિકાઓમાંની એક, સંધ્યા મુખોપાધ્યાયને 2011માં પશ્ચિમ બંગાળનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર “બેંગ વિભૂષણ” અને 1970માં શ્રેષ્ઠ મહિલા પ્લેબેક સિંગરનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો.
પંડિત અનિંદ્ય ચેટર્જીએ, જેમણે પંડિત રવિશંકર, ઉસ્તાદ અમજદ અલી ખાન અને ઉસ્તાદ અલી અકબર ખાન જેવા માસ્ટર્સ સાથે કામ કર્યું છે, તેણે પણ કહ્યું કે જ્યારે તેમને એવોર્ડ માટે દિલ્હીથી ફોન આવ્યો ત્યારે તેમણે તે સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.
2002માં સંગીત નાટક અકાદમી પુરસ્કાર મેળવનાર જાણીતા તબલાવાદક ચેટર્જીએ સમાચાર એજન્સી પીટીઆઈને કહ્યું કે “મેં નમ્રતાથી ઇનકાર કર્યો છે. મેં કહ્યું આભાર, પરંતુ હું મારી કારકિર્દીના આ તબક્કે પદ્મશ્રી પ્રાપ્ત કરવા તૈયાર નથી. મેં તે સ્ટેજ પસાર કર્યો છે.”
ગઈકાલે બુદ્ધદેવ ભટ્ટાચાર, જેમને ત્રીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ ભૂષણથી નવાજવામાં આવનાર હતા, તેમણે તરત જ એક નિવેદન જાહેર કરીને સન્માનને નકારી કાઢ્યું હતું.
બંગાળીમાં જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે “મને પદ્મ ભૂષણ વિશે કંઈ ખબર નથી. કોઈએ મને તેના વિશે કંઈ કહ્યું નથી. જો હકીકતમાં તેમણે મને પદ્મ ભૂષણ આપ્યું છે, તો હું તેનો અસ્વીકાર કરું છું.”
તમને જણાવી દઈએ કે પ્રોટોકોલ હેઠળ પુરસ્કાર મેળવનારને ઈનામ વિશે અગાઉથી જાણ કરવામાં આવે છે અને ઈનામ સ્વીકાર્યા બાદ જ યાદી જાહેર કરવામાં આવે છે.