29 January, 2023 10:03 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બૅન્ગલૉરઃ કર્ણાટકમાં રાજ્ય સરકારના એક સર્ક્યુલરને લઈને વિવાદ જાગ્યો છે. કૉન્ગ્રેસે એ બદલ બીજેપીની આકરી ટીકા કરી છે. ઇન્ફર્મેશન અને પબ્લિક રિલેશન્સ ડિપાર્ટમેન્ટ માટે આ સર્ક્યુલર ઇશ્યુ કરવામાં આવ્યું હતું જેમાં બ્રાહ્મણોની માલિકી ધરાવતાં અખબારોને દર મહિને બે પેજની જાહેરાતો આપવાની સૂચના આપવામાં આવી છે. કૉન્ગ્રેસના નેતાઓએ એને રિવર્સ રિઝર્વેશન ગણાવ્યું છે.
આ સર્ક્યુલરમાં જણાવવામાં આવ્યું છે કે ડિપાર્ટમેન્ટના મીડિયા લિસ્ટમાં સામેલ પ્રાદેશિક ન્યુઝપેપર્સ તેમ જ જિલ્લા સ્તરનાં ન્યુઝપેપર્સને પણ આ પૉલિસી લાગુ પડશે.
આ સર્ક્યુલર ૨૪ જાન્યુઆરીએ રિલીઝ કરવામાં આવ્યો છે જેમાં કર્ણાટક સરકાર તરફથી ઇન્ફર્મેશન ડિપાર્ટમેન્ટના કમિશનરનો ઉલ્લેખ છે.
કૉન્ગ્રેસના નેતાઓએ આ સર્ક્યુલરની આકરી ટીકા કરી છે. તેમનું કહેવું છે કે બ્રાહ્મણોની માલિકીવાળાં જિલ્લા અને પ્રાદેશિક ન્યુઝપેપર્સને સરકારી જાહેરાત આપવા જણાવતો સરકારનો આદેશ અસ્વીકાર્ય છે. શા માટે અન્ય સમાજોના લોકોની માલિકીનાં ન્યુઝપેપર્સને સરકાર દ્વારા સપોર્ટ પૂરો પાડવામાં આવતો નથી.
વાસ્તવમાં આ રાજ્યમાં બ્રાહ્મણો રાજ્ય સરકારથી નારાજ છે. એટલે તેમને મનાવવા માટે જ આ સર્ક્યુલર ઇશ્યુ કરવામાં આવ્યો હોવાનું જણાય છે. રીસન્ટ્લી આર્થિક રીતે પછાત વર્ગો માટેના દસ ટકા ક્વોટામાંથી છ ટકા રાજ્યના બે મુખ્ય સમાજ લિંગાયત અને વોક્કલિગ માટે ફાળવવાના રાજ્ય સરકારના પ્રસ્તાવથી બ્રાહ્મણો નારાજ છે. અખિલ કર્ણાટક બ્રાહ્મણ મહાસભાના અધ્યક્ષ અશોક હિરનહલ્લીએ સરકારના આ પગલાને ‘બ્રાહ્મણ વિરોધી’ ગણાવ્યું હતું.