વધુ એક ફ્લાઇટમાં મળી બૉમ્બની ધમકીઃ વિસ્તારાની દિલ્હી-લંડન ફ્લાઇટને ફ્રેન્કફર્ટ ડાયવર્ટ કરાઇ

19 October, 2024 09:50 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Bomb Threat In Flight: દિલ્હીથી લંડન જતી વિસ્તારાની ફ્લાઇટ UK17માં બૉમ્બની ધમકી, ફ્રેન્કફર્ટમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું

પ્રતીકાત્મક તસવીર

ફ્લાઇટમાં બૉમ્બની ધમકી (Bomb Threat In Flight) મળવાનો સિલસિલો છેલ્લા ઘણા સમયથી ચાલુ જ છે. દરરોજ કોઈકને કોઈક ફ્લાઇટમાં બૉમ્બની ધમકી મળે છે અને પછી જે-તે ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવે છે. જોકે, અત્યાર સુધી એકપણ બૉમ્બની ધમકી સાચી પડી નથી એટલે પ્રશાસન રાહતનો શ્વાસ લઈ રહ્યું છે. પરંતુ રોજેરોજ મળતી આ પ્રકારની બૉમ્બની ધમકીઓ ચિંતાનો વિષય છે. આજે વધુ એક ફ્લાઇટમાં બૉમ્બની ધમકી મળી છે. દિલ્હી (Delhi)થી લંડન (London) જઈ રહેલી `વિસ્તારા` (Vistara) ફ્લાઇટમાં બૉમ્બની ધમકી મળ્યા બાદ તેને ફ્રેન્કફર્ટ (Frankfurt) તરફ વાળવામાં આવી હતી અને ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. જો કે તપાસ દરમિયાન પ્લેનમાં કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. જે બાદ પ્લેનને લંડન મોકલવામાં આવ્યું છે.

વિસ્તારા એરલાઇન્સ (Vistara Airlines)ના પ્રવક્તાએ શનિવારે વહેલી સવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પ્લેન ફ્રેન્કફર્ટ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતરી ગયું હતું અને ફરજિયાત તપાસ કરવામાં આવી હતી. પ્રવક્તાએ કહ્યું, ૧૮ ઓક્ટોબરે દિલ્હીથી લંડન જઈ રહેલી વિસ્તારાની ફ્લાઇટ નંબર `UK17`ને સોશિયલ મીડિયા (Social Media) પર સુરક્ષા માટે ખતરો મળ્યો હતો. પ્રોટોકોલને અનુસરીને, તમામ સંબંધિત અધિકારીઓને આ વિશે તરત જ જાણ કરવામાં આવી હતી અને પાઇલટ્સે સાવચેતીના પગલા તરીકે ફ્લાઇટને ફ્રેન્કફર્ટ તરફ વાળી હતી. બાદમાં તપાસ કરતા ફ્લાઇટમાં કંઈપણ શંકાસ્પદ મળ્યું નહોતું અને પ્લેનને લંડન રવાના કરવામાં આવ્યું હતું.

છેલ્લા થોડાક દિવસમાં ૧૪ વિમાનોને બૉમ્બની ધમકી મળી છે. ૧૫ ઓક્ટોબરે ૭ ફ્લાઇટ પર બૉમ્બની ધમકીઓ મળી હતી. સતત ધમકીઓ વચ્ચે, કેન્દ્રએ બુધવારે ફ્લાઇટ્સ પર એર માર્શલ્સની સંખ્યા બમણી કરવાનો નિર્ણય કર્યો. તેઓ પ્લેનમાં સાદા કપડામાં રહેશે. આ સિવાય ગૃહ મંત્રાલયે ઉડ્ડયન મંત્રાલય પાસેથી રિપોર્ટ માગ્યો છે.

બુધવારે ઉડ્ડયન મંત્રાલયે એરલાઇન્સને ધમકીભર્યા મેસેજ મોકલવા અંગે સંસદીય સમિતિને જવાબ આપ્યો હતો. મંત્રાલયે કહ્યું હતું કે, આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી છે અને કાર્યવાહી કરવામાં આવી રહી છે. એ પણ કહ્યું કે વધુ માહિતી એકઠી કરવામાં આવી રહી છે અને આવા ઘણા મામલાઓ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે.

કહેવામાં આવી રહ્યું છે કે, છેલ્લા થોડાક દિવસોથી ફ્લાઇટમાં સતત બૉમ્બની ધમકીઓ મળતી હોવાથી તમામ સાયબર યુનિટ્સને ધમકીભર્યા સોશ્યલ મીડિયા અકાઉન્ટ્સને ટ્રેક કરવા માટે સૂચના આપવામાં આવી છે. આમાંના મોટાભાગના ખાતાઓ વિદેશથી ઓપરેટ થઈ રહ્યા છે.

છેલ્લા કેટલાક દિવસોમાં, ભારતીય એરલાઇન્સ દ્વારા સંચાલિત લગભગ ૪૦ ફ્લાઇટ્સ પર બૉમ્બની ધમકીઓ મળી હતી, જો કે પછીથી આ બધી ખોટી સાબિત થઈ હતી. નાગરિક ઉડ્ડયન મંત્રાલય એરલાઇન્સ દ્વારા અપરાધીઓને `નો-ફ્લાય` સૂચિમાં મૂકવા સહિત બૉમ્બની ખોટી ધમકીઓની ઘટનાઓને રોકવા માટે કડક નિયમો લાગુ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ યાદીનો હેતુ બેકાબૂ મુસાફરોને ઓળખવાનો અને તેમને પ્લેનમાં ચઢવા પર પ્રતિબંધ મૂકવાનો છે.

Vistara new delhi london germany national news