ઍરપોર્ટ પર ખોટા ફોન કરીને ધમકી આપનારની હવે ખેર નથી

22 October, 2024 08:48 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ACP લેવલના અધિકારી આની તપાસ કરશે અને સાઇબર ટીમ પણ સાથે જોડાશે

ફાઇલ તસવીર

છેલ્લા ૧૫ દિવસથી મુંબઈથી ઊપડતી તેમ જ મુંબઈ આવતી આંતરરાષ્ટ્રીય તેમ જ ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં બૉમ્બ હોવાના નનામા મેસેજથી ખળભળાટ મચી ગયો છે. રવિવારે એક જ દિવસમાં ૨૦ કરતાં વધારે ટ્વીટ દ્વારા તેમ જ સોશ્યલ મીડિયાનાં બીજાં પ્લૅટફૉર્મ્સ પર બૉમ્બ હોવાની ધમકીઓ મુંબઈ પોલીસને મળી હતી. એક અઠવાડિયામાં ૧૦૦ કરતાં વધારે ધમકીઓ મળતાં મુંબઈ પોલીસે હવે આવા લોકો સામે કાર્યવાહી કરવા અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ (ACP) લેવલના અધિકારી સાથે ટીમની રચના કરી છે. ઉપરાંત આ કાર્યવાહી માટે સાઇબર પોલીસની એક ટીમ પણ સ્ટૅન્ડબાય રાખવામાં આવી છે.

એક મેસેજ કે ફોનથી અમારા ડઝન ઑફિસર ઉપરાંત ઍરપોર્ટ પરના અધિકારીઓ તેમ જ સેન્ટ્રલ સુરક્ષા વિભાગના ૧૦૦થી વધારે અધિકારીઓ કામે લાગી જતા હોય છે એમ જણાવતાં મુંબઈ પોલીસ ઝોન ૮ના ડેપ્યુટી પોલીસ-કમિશનર (DCP) મનીષ કાલવાનિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઉપરાંત અમે જ નહીં, ફ્લાઇટમાં ટ્રાવેલ કરતા લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. ધમકીના ખોટા મેસેજ આપતા લોકોને અમે આજે નહીં તો કાલે પકડી લઈએ છીએ. આવી ધમકીના ખોટા મેસેજ આપતાં પકડાનારી વ્યક્તિને ૧૦ વર્ષ કરતાં વધારેની સજા કાયદામાં લખેલી છે. માત્ર મજાક કરવાના ઇરાદે કરેલો મેસેજ ઘણો ભારે પડી શકે છે. હાલમાં આવતા બોગસ ફોનને કારણે અમે ACP લેવલના અધિકારી સાથે એક ટીમની રચના કરી છે જે માત્ર આવા જ કેસ પર કામ કરશે. આરોપીનું IP (ઇન્ટરનેટ પ્રોટોકૉલ) ઍડ્રેસ શોધવા માટે સાઇબર પોલીસની એક ટીમ પણ સ્ટૅન્ડબાય રાખી છે જે ૨૪ કલાક અમારી સાથે કામ કરશે.’

ધમકી આપનારી વ્યક્તિને નો-ફ્લાય લિસ્ટમાં મુકાશે

નાગરી ઉડ્ડયનપ્રધાન રામ મોહન નાયડુએ ગઈ કાલે જણાવ્યું હતું કે ‘વિમાનમાં બૉમ્બ મુકાયો છે એવી ધમકી મળતી હોવાથી વિવિધ સ્ટેકહોલ્ડર્સ સાથે ચર્ચા ચાલુ છે અને ઍરક્રાફ્ટ (સિક્યૉરિટી) કાયદામાં સુધારો કરવાનું વિચારવામાં આવી રહ્યું છે. ધમકી આપનારા લોકોની ઓળખ થયા બાદ તેમને નો-ફ્લાય લિસ્ટમાં મૂકી દેવાનું વિચારવામાં આવી રહ્યું છે.’ 

૧૦૦

એક અઠવાડિયામાં આના કરતાં વધારે ધમકીઓ મળી

mumbai airport delhi airport indira gandhi international airport chhatrapati shivaji international airport air india spicejet Vistara indigo national news bomb threat