16 October, 2024 11:25 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
દિલ્હીથી અમેરિકાના શિકાગો જઈ રહેલી ઍર ઇન્ડિયાની ફ્લાઇટ AI127માં બૉમ્બ મૂકવામાં આવ્યો હોવાની ધમકી મંગળવારે મળતાં ગઈ કાલે કૅનેડાના ઇકાલુઇટ ઍરપોર્ટ પર આ ફ્લાઇટને ઉતારવાની ફરજ પડી હતી. ૪૮ કલાકમાં વિમાનોમાં બૉમ્બ મૂકવાની ૧૦ ધમકી મળી હોવાથી આ ફ્લાઇટોને અસર થઈ હતી.
જે ફ્લાઇટોને અસર થઈ એમાં ઇન્ડિગોની મુંબઈથી મસ્કત, મુંબઈથી જેદ્દાહ અને દમામ-લખનઉ ફ્લાઇટ, ઍર ઇન્ડિયા એક્સપ્રેસની અયોધ્યા-બૅન્ગલોર ફ્લાઇટનો સમાવેશ છે. ૪૮ કલાકમાં દસ ધમકી મળી હોવાથી એવિયેશન ઑથોરિટીએ એની ગંભીરતા સમજીને તપાસ શરૂ કરી દીધી છે. એનું કહેવું છે કે આની સીધી અસર ફાઇનૅન્સ પર પડે છે, પણ એ આવી ધમકીઓને નજરઅંદાજ નથી કરી શકતા.
ઍર ઇન્ડિયા એક્સપ્રેસના કહેવા મુજબ એક અનવેરિફાઇડ સોશ્યલ મીડિયા અકાઉન્ટ પરથી આ ધમકી આપવામાં આવી હતી અને આ અકાઉન્ટની તપાસ ચાલુ છે. આ ધમકી મોકલનારો સગીર વયનો છે અને તેને પકડવા માટે પોલીસ રાજનાંદગાંવ પહોંચી હોવાની જાણકારી મળી છે.