હવે એક જ દિવસમાં ૯૫ ફ્લાઇટને ધમકી

25 October, 2024 08:16 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ઇન્ડિગો, ઍર ઇન્ડિયા, વિસ્તારા, સ્પાઇસજેટ, અલાયન્સ ઍર અને અકાસા ઍરને ગઈ કાલે ધમકીઓ મળી હતી

ફાઇલ તસવીર

સોશ્યલ મીડિયા પર પ્લેનમાં બૉમ્બ મુકાયો હોવાની ધમકીઓ અટકવાનું નામ નથી લઈ રહી. ગઈ કાલે એક જ દિવસમાં ડોમેસ્ટિક અને ઇન્ટરનૅશનલ મળીને કુલ ૯૫ જેટલી ફ્લાઇટમાં બૉમ્બ મુકાયાના મેસેજ સોશ્યલ મીડિયા પર મૂકવામાં આવ્યા હતા.

ઇન્ડિગો, ઍર ઇન્ડિયા, વિસ્તારા, સ્પાઇસજેટ, અલાયન્સ ઍર અને અકાસા ઍરને ગઈ કાલે ધમકીઓ મળી હતી. એમાં અકાસા ઍરને ૨૫; ઍર ઇન્ડિયા, ઇન્ડિગો અને ​વિસ્તારા દરેકને ૨૦-૨૦ અને સ્પાઇસ જેટ અને અલાયન્સ એમ બન્નેને પાંચ-પાંચ ફ્લાઇટમાં બૉમ્બ મુકાયો હોવાની ધમકી મળતાં એક જ દિવસમાં ધમકીનો આંકડો ૯૫ પર પહોંચી ગયો હતો.

દિલ્હી પોલીસે આ સંદર્ભે કુલ ૮ ફરિયાદ નોંધી છે. એક સિનિયર પોલીસ અધિકારીના કહેવા મુજબ આ ધમકીના મેસેજ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર અજાણી વ્યક્તિ દ્વારા મૂકવામાં આવે છે. સરકારે આ સંદર્ભે ઍક્સને પણ કહ્યું છે કે આવા મેસેજ રોકવા તમે કેમ કોઈ પગલાં નથી લેતા?

આ કોઈ ષડ‍્યંત્ર છે?

સતત મળી રહેલી ધમકીઓને કારણે શું આ કોઈ મોટું ષડ‍્યંત્ર ચાલી રહ્યું છે કે કેમ એવા સવાલના જવાબમાં સિવિલ એવિએશન મિનિસ્ટર રામ મોહન નાયડુએ કહ્યું હતું કે ‘આ બાબતે હું કોઈ ઉતાવળિયો નિર્ણય નહીં લઉં. એક વાર આ બાબતની ઝીણવટભરી તપાસ થાય એ જરૂરી છે. એક વાર એ તપાસ પતે પછી કહી શકાય કે એની પાછળ કોણ છે, એ ષડ‍્યંત્ર છે કે નહીં કે પછી તહેવારોના સમયે જ આવું કરવામાં આવી રહ્યું છે કે પછી ઍરલાઇનને હેરાન કરવાનો ઇરાદો છે. વળી આ જે ધમકીઓ મળી રહી છે એમાં જે IP (ઇન્ટરનેટ પ્રોટોકૉલ) ઍડ્રેસ છે એ વિદેશી હોવાનું જણાઈ આવતાં અને એ પછી એ વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક (VPN)થી રી-રૂટ થતી હોવાથી ​એની તપાસ કરવી અઘરી બની જાય છે. આ ધમકીઓ ચોક્કસ ક્યાંથી આવી રહી છે એ બાબતે ઇન્ટેલિજન્સ એજન્સીઓ સાથે લાગતાવળગતા ડિપાર્ટમેન્ટ તપાસ ચલાવી રહ્યા છે. જોકે હું એટલું ચોક્કસ કહીશ કે અમે અમારા તરફથી આ માટે પૂરતા પ્રયાસ કરી રહ્યા છીએ અને પૅસેન્જરોને સુરક્ષા પૂરી પાડી રહ્યા છીએ. 

bomb threat indira gandhi international airport new delhi spicejet air india indigo Vistara national news