28 April, 2023 12:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મલ્લિકાર્જુન ખડગે
કૉન્ગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વધુ એક વખત વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લઈને વિવાદાસ્પદ સ્ટેટમેન્ટ આપ્યું હતું. કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી માટે કલબુરગીમાં એક રૅલી દરમ્યાન ખડગેએ કહ્યું હતું કે ‘પીએમ મોદી ઝેરી સાપ જેવા છે. તમે વિચારી શકો છો કે એ ઝેર છે કે નહીં. જો તમે એને ચાટશો તો મરી જશો.’
બીજેપીએ ખડગેના સ્ટેટમેન્ટને ચૂંટણીમાં મુદ્દો બનાવવાની ભરપૂર કોશિશ શરૂ કરી દીધી છે. ભૂતકાળમાં પણ જ્યારે-જ્યારે ચૂંટણીમાં પીએમ મોદી પર વ્યક્તિગત શાબ્દિક હુમલા કરવામાં આવ્યા છે ત્યારે એનાથી કૉન્ગ્રેસને નુકસાન થયું હોવાનું મોટા ભાગે જોવા મળ્યું છે.
કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમ્મઈએ કહ્યું કે ખડગેના દિમાગમાં જ ઝેર છે. પીએમ મોદી અને બીજેપી તરફ તેમને પૂર્વાગ્રહ છે. હતાશાને કારણે આવા વિચાર આવી રહ્યા છે, કેમ કે તેઓ પીએમ વિરુદ્ધ રાજકીય રીતે લડાઈ લડી શકે એમ નથી અને તેમનું જહાજ ડૂબતું જોઈ રહ્યા છે. લોકો તેમને પાઠ ભણાવશે.’
કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યું કે ‘કૉન્ગ્રેસે મલ્લિકાર્જુન ખડગેને પાર્ટીના અધ્યક્ષ બનાવ્યા છે, પરંતુ કોઈ તેમને અધ્યક્ષ ગણતું નથી. એટલા માટે તેમણે સોનિયા ગાંધી દ્વારા આપવામાં આવેલા સ્ટેટમેન્ટ કરતાં વધુ ખરાબ સ્ટેટમેન્ટ આપવાનો વિચાર કર્યો.’
સોનિયાએ પીએમ મોદીને ‘મૌત કા સૌદાગર’ ગણાવ્યા હતા.
ખૂબ જ વિવાદ થતાં ખડગેએ તેમના સ્ટેટમેન્ટને લઈને ખુલાસો કરતાં જણાવ્યું હતું કે ‘એ પીએમ મોદી માટે નહોતું કહેવામાં આવ્યું. મારો કહેવાનો અર્થ એ હતો કે બીજેપીની વિચારધારા સાપ જેવી છે. મેં પીએમ મોદી માટે વ્યક્તિગત રીતે એવું ક્યારેય કહ્યું નથી. મેં કહ્યું હતું કે તેમની વિચારધારા સાપ જેવી છે. જો તમે તેને સ્પર્શશો તો તમારું મૃત્યુ નિશ્ચિત છે.’
જોકે આ ખુલાસા બાદ પણ વિવાદ શાંત ન પડતાં ખડગેએ કહ્યું કે ‘જો મારા સ્ટેટમેન્ટથી કોઈના દિલને ઠેસ વાગી હોય તો હું એ માટે ખાસ ખેદ વ્યક્ત કરીશ.’
વડા પ્રધાન મોદીની ‘સુસાઇડ-નોટ’ વિશેના જોકને કૉન્ગ્રેસે અસંવેદનશીલ ગણાવી આકરી ટીકા કરી
સુસાઇડ-નોટ વિશે મજાક કરવા બદલ કૉન્ગ્રેસે ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આકરી ટીકા કરી હતી. પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે વડા પ્રધાન અને તેમના જોક પર ખૂલીને હસનારાઓએ અસંવેદનશીલ રીતે માનસિક આરોગ્યના મુદ્દાઓની મજાક ઉડાડવાને બદલે એના વિશે પોતાને માહિતગાર કરવાની જરૂર છે.
વડા પ્રધાને બુધવારે એક મીડિયા ચૅનલના કૉન્ક્લેવમાં કહ્યું હતું કે ‘એક પ્રોફેસર હતા અને તેમની દીકરીએ આત્મહત્યા કરી. તે એક સુસાઇડ-નોટ છોડીને ગઈ કે હું જિંદગીમાં થાકી ગઈ છું. જીવવા ઇચ્છતી નથી, એટલે હું કાંકરિયા તળાવમાં કૂદીને મરી જઈશ. હવે પ્રોફેસરે સવારે જોયું તો દીકરી ઘરમાં નથી. બેડ પર સુસાઇડ-નોટ મળી. પિતાજીને ખૂબ ગુસ્સો આવ્યો કે હું પ્રોફેસર છું. મેં આટલાં વર્ષ મહેનત કરી અને હજી પણ કાંકરિયાનો સ્પેલિંગ ખોટો લખીને જાય છે.’
કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ એક ટ્વીટમાં જણાવ્યું કે હજારો પરિવાર સુસાઇડને કારણે તેમનાં સંતાન ગુમાવે છે. વડા પ્રધાને તેમને વિશે આવી મજાક ન કરવી જોઈએ.’