ઉત્તરાખંડમાં મદરેસા તોડી પાડ્યા પછીની હિંસા ષડ્યંત્ર : બીજેપી

10 February, 2024 11:59 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

હલદ્વાનીના બનભુલપુરામાં મલિકના બગીચામાં ગેરકાયદે મદરેસાને તોડવા દરમિયાન ભારે હોબાળો થયો હતો.

પથ્થરમારા

ઉત્તરાખંડના હલદ્વાનીના બનભુલપુરામાં ગુરુવારે થયેલા પથ્થરમારામાં બે જણનાં મોત થયાં છે, જ્યારે ત્રણ જણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. હલદ્વાનીના બનભુલપુરામાં મલિકના બગીચામાં ગેરકાયદે મદરેસાને તોડવા દરમિયાન ભારે હોબાળો થયો હતો. કૉર્પોરેશનની ટીમ જેસીબી લઈને ત્યાં પહોંચી ત્યારે ત્યાં હાજર ઉપદ્રવીઓએ પ્રશાસન, પોલીસ અને પત્રકારો પર પથ્થરમારો કરતાં ઘણા પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગ્રસ્તોની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

આ મામલે મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખતાં સમગ્ર શહેર છાવણીમાં ફેરવાઈ ગયું છે. સમગ્ર વિસ્તારમાં કરફ્યુ લગાવાયો છે અને ઇન્ટરનેટ સેવા પણ બંધ કરાઈ છે.

અહીં નોંધનીય છે કે ગેરકાયદે બાંધકામને તોડવાની કાર્યવાહી શરૂ થાય એ પહેલાં સ્થાનિક લોકોએ હોબાળો શરૂ કરી દીધો હતો. કાર્યવાહી દરમિયાન મલિકના બગીચાની આસપાસ રહેતાં અસામાજિક તત્ત્વોએ પોલીસકર્મીઓ અને પત્રકારો પર ભારે પથ્થરમારો કર્યો હતો.

આ મુદ્દે બીજેપી રાજ્યસભા સંસદસભ્ય હરનાથ યાદવે કહ્યું કે ‘ઉત્તરાખંડના હલદ્વાનીમાં બનેલી આ ઘટના એક ષડયંત્ર છે. બૉમ્બ, દેશી પિસ્ટલ અને અન્ય શસ્ત્રોનો ઉપયોગ કરાયો હતો. સરકારી અધિકારીઓ અને પોલીસ પર હુમલો કરાયો. ઉત્તરાખંડની સરકારે દરેક ઘરમાં તપાસ કરવી જોઈએ અને ગુનેગાર વિરુદ્ધ પગલાં લેવાં જોઈએ.

national news uttarakhand bharatiya janata party india