29 June, 2023 04:10 PM IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક દિવસ પહેલા દેશમાં સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરવાનો આગ્રહ કર્યો હતો. આ આગ્રહ રજૂ કર્યા પછી પાર્ટીએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને સંગઠનના મહાસચિવ બીએલ સંતોષ સાથે લાંબી બેઠકનું આયોજન કર્યું હતું.
એનડીટીવીના અહેવાલમાં સૂત્રો પાસેથી મળતી માહિતીમાં જાણવા મળ્યું છે કે વડા પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન પર મોટા ફેરફાર અંગે પણ ચર્ચા થઈ હોવાની શક્યતા છે. મળતી માહિતી મુજબ આ બેઠક પાંચ કલાકથી વધુ ચાલી હતી.
પીએમ નરેન્દ્ર મોદીએ મંગળવારે યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) પર ભાર મૂક્યો હતો. આ સાથે જ પીએમ મોદીએ મંગળવારે પૂછ્યું હતું કે, વ્યક્તિગત બાબતોને સંચાલિત કરતા બેવડા કાયદા સાથે દેશ કેવી રીતે કાર્ય કરી શકે છે. તેમણે વિપક્ષ પર મુસ્લિમ સમુદાયને ગુમરાહ અને ઉશ્કેરવા માટે UCC મુદ્દાનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો.
મધ્યપ્રદેશના ભોપાલમાં ભાજપના કાર્યકર્તાઓને નરેન્દ્ર મોદી દ્વારા સંબોધન કરતી વખતે વિપક્ષી પાર્ટીઓ પર પણ આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, “તેઓ માત્ર ભ્રષ્ટાચારની "ગેરંટી" આપી શકે છે” અને તેમના પર ઓછામાં ઓછા રૂ. 20 લાખ કરોડના કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો હતો.
તેમણે ગયા શુક્રવારે 2024ની લોકસભા ચૂંટણી માટે ભાજપ વિરોધી ગઠબંધન બનાવવા માટે પટનામાં વિરોધ પક્ષોના મેગા કોન્ક્લેવને માત્ર "ફોટો-ઓપ" ગણાવ્યું હતું. વડા પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, “જે લોકો `ટ્રિપલ તલાક`નું સમર્થન કરી રહ્યા છે તેઓ મુસ્લિમ દીકરીઓ સાથે અન્યાય કરી રહ્યા છે અને પછાત પસમાંદા મુસ્લિમો સાથે પણ વોટ બેંકની રાજનીતિને કારણે સમાન વર્તન કરવામાં આવતું નથી એવો પણ આક્ષેપ લગાવ્યો હતો.
ભારતીય જનતા પાર્ટીએ વર્ષના અંતમાં યોજાનારી મહત્વપૂર્ણ વિધાનસભા ચૂંટણી અને 2024ની લોકસભાની ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી હોય એવું લાગી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના ભોપાલથી ચૂંટણી માટે શંખનાદ કર્યો છે. પીએમ મોદીએ મોટી સંખ્યામાં એકત્ર થયેલા ભાજપના કાર્યકરોને ઉત્સાહિત કર્યા હતા અને આગામી ચૂંટણીમાં પક્ષના મુદ્દાઓને જનતા સુધી કેવી રીતે લઈ જવા તે અંગેના સૂચનો પણ આપ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ યુનિફોર્મ સિવિલ કોડ, ટ્રિપલ તલાક જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી.
ઉલ્લેખનીય છે કે ભાજપની બેઠક યોજાઈ એ પહેલા કોંગ્રેસે પણ આગામી ચૂંટણીને લઈને મોટી બેઠક યોજી હતી. જેમાં વર્ષના અંતમાં છત્તીસગઢમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીના થોડા મહિના પહેલા કોંગ્રેસે રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી ટીએસ સિંહદેવને નાયબ મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી હતી.