24 March, 2023 11:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિલ્હીમાં અનેક જગ્યાએ ગઈ કાલે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની હકાલપટ્ટી માટે હાકલ કરતાં આવાં પોસ્ટર્સ જોવા મળ્યાં.
નવી દિલ્હી ઃ આમ આદમી પાર્ટી અને બીજેપી વચ્ચે પોસ્ટર-વૉરના કારણે દિલ્હીની દીવાલો વધુ ‘પૉલિટિકલી પ્રદૂષિત’ થઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરતાં પોસ્ટર્સની વિરુદ્ધ પોલીસની કાર્યવાહીના બે દિવસ બાદ હવે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની હકાલપટ્ટી માટે હાકલ કરતાં એવાં જ પોસ્ટર્સ ગઈ કાલે સવારે દિલ્હીમાં જોવાં મળ્યાં.
મંગળવારે પોલીસ અધિકારીઓ દ્વારા ‘મોદી હટાવો, દેશ બચાવો’ સ્લોગન ધરાવતાં હજારો પોસ્ટર્સને દિલ્હીમાંથી હટાવવામાં આવ્યાં
હતાં. પ્રિન્ટિંગ પ્રેસના બે માલિકો સહિત છ જણની ધરપકડ કરવામાં આવી છે અને અનેક કેસ દાખલ કરવામાં આવ્યા છે.
હવે લેટેસ્ટ પોસ્ટર્સમાં કેજરીવાલને ‘અપ્રામાણિક, ભ્રષ્ટ અને સરમુખત્યાર’ ગણાવવામાં આવ્યા છે અને એના પર સ્લોગન લખવામાં આવ્યું છે કે ‘અરવિંદ કેજરીવાલ કો હટાવો, દિલ્હી બચાવો.’ આ પોસ્ટર્સ અનુસાર બીજેપીના લીડર મનજિન્દર સિંહ સિરસા દ્વારા એને પ્રિન્ટ કરવામાં આવ્યાં છે અને દીવાલો પર લગાવવામાં આવ્યાં છે.
કેજરીવાલે કહ્યું હતું કે ‘મને આવાં પોસ્ટર્સથી કોઈ વાંધો નથી. મને સમજાતું નથી કે શા માટે પ્રિન્ટિંગ પ્રેસના
માલિક અને પોસ્ટર્સ લગાવનારા છ બિચારાની બુધવારે ધરપકડ કરવામાં આવી હતી. એ સૂચવે છે કે પીએમ ડરી ગયા છે.’