17 January, 2023 11:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નવી દિલ્હીમાં ગઈ કાલે બીજેપીની રાષ્ટ્રીય કારોબારીની મીટિંગમાં પીએમ નરેન્દ્ર મોદી અને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા.
નવી દિલ્હી : નવી દિલ્હીમાં બીજેપીની બે દિવસની રાષ્ટ્રીય કારોબારીની મીટિંગ ગઈ કાલથી શરૂ થઈ હતી, જેમાં બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ જણાવ્યું હતું કે આ વર્ષ ખૂબ જ મહત્ત્વનું છે અને પાર્ટીએ આ વર્ષે ૯ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી અને એ પછી આવતા વર્ષે લોકસભાની ચૂંટણી જીતવા માટે લડવાની છે.
બીજેપીના નેતા રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે વડા પ્રધાને જે બૂથો પર બીજેપી નબળી સ્થિતિમાં છે એની ઓળખ કરીને ત્યાં પાર્ટીને મજબૂત કરવા જણાવ્યું હતું. આવાં ૭૨,૦૦૦ બૂથોની ઓળખ કરવામાં આવી હતી અને આજે બીજેપીના અધ્યક્ષે જણાવ્યું હતું કે ૧.૩ લાખ બૂથો સુધી પાર્ટી પહોંચી છે. આ મીટિંગમાં બૂથ સ્તરે માઇક્રો પ્લાનિંગ પર ખાસ ફોકસ કરવામાં આવ્યું હતું.
આ રાષ્ટ્રીય કારોબારીની મીટિંગના સ્થળે આયોજિત એક એક્ઝિબિશનના કેન્દ્રસ્થાને અયોધ્યામાં શ્રીરામ મંદિરનું નિર્માણ હતું. આ એક્ઝિબિશનમાં એમ પણ રજૂ કરવામાં આવ્યું છે કે પીએમ મોદીના નેતૃત્વમાં કેવી રીતે ભારત વિશ્વગુરુ તરીકે ઊભરી રહ્યું છે.
આ પણ વાંચો : પાકિસ્તાનના ન્યુઝપેપરે ભારત અને મોદીની ભરપૂર પ્રશંસા કરી
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આ મીટિંગ પછી જણાવ્યું હતું કે ‘આ મીટિંગમાં ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં મળેલી ઐતિહાસિક જીતની પણ ચર્ચા થઈ હતી.’
જે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે એમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, કર્ણાટક, ત્રિપુરા, તેલંગણા, મેઘાલય, નાગાલૅન્ડ અને મિઝોરમ સામેલ છે. લોકસભાની ચૂંટણી માટે પણ બીજેપીએ આ રાજ્યો પર ખાસ ફોકસ કરવાનું નક્કી કર્યું છે, કેમ કે આ રાજ્યોમાં લોકસભાની કુલ ૧૧૬ બેઠકો છે, જેમાં સૌથી વધુ બેઠકો મધ્ય પ્રદેશમાં ૨૯, કર્ણાટકમાં ૨૮ અને રાજસ્થાનમાં લોકસભાની ૨૫ બેઠકો છે.
નવી દિલ્હીમાં ગઈ કાલે બીજેપીની રાષ્ટ્રીય કારોબારીની મીટિંગમાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે પ્રધાન નીતિન ગડકરી, સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ અને અન્ય નેતાઓ.