09 November, 2023 09:15 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
કૅશ અને ગિફ્ટ્સ લઈને સંસદમાં સવાલ પૂછવાના આરોપના મામલે તૃણમૂલ કૉન્ગ્રેસનાં એમપી મહુઆ મોઇત્રાની મુશ્કેલી વધી શકે છે. બીજેપીના એમપી નિશિકાંત દુબેએ ગઈ કાલે જણાવ્યું હતું કે લોકપાલે તેમની ફરિયાદ પર મહુઆ વિરુદ્ધ સીબીઆઇ તપાસ માટે આદેશ આપ્યો છે. કદાચ આ ઘટનાક્રમને લઈને જ મોઇત્રાએ કહ્યું કે સીબીઆઇએ સૌપ્રથમ અદાણી ગ્રુપ દ્વારા કથિત કોલસા કૌભાંડની તપાસ કરવા માટે એફઆઇઆર દાખલ કરવો જોઈએ.
બીજેપીના આ એમપીએ કૅશ અને ગિફ્ટ્સના બદલામાં બિઝનેસમૅન દર્શન હીરાનંદાની વતીથી અદાણી ગ્રુપ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરવા માટે લોકસભામાં સવાલ પૂછવાનો મોઇત્રા પર આરોપ મૂક્યો હતો. આ મામલે લોકસભાની એથિક્સ કમિટી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. મોઇત્રાએ આ આરોપ ફગાવી દીધો છે.
દુબેએ એક્સ પ્લૅટફૉર્મ પર લખ્યું હતું કે મારી ફરિયાદ પર લોકપાલે ગઈ કાલે રાષ્ટ્રીય સુરક્ષાના ભોગે ભ્રષ્ટાચાર આચરવા બદલ આરોપી મહુઆ મોઇત્રા વિરુદ્ધ સીબીઆઇ તપાસનો આદેશ આપ્યો છે. જોકે લોકપાલ તરફથી સત્તાવાર રીતે કશું જણાવાયું નથી.
મોઇત્રાએ એક્સ પ્લૅટફૉર્મ પર પોસ્ટ કર્યું હતું કે ‘મીડિયા મારા જવાબ માટે કૉલ કરી રહ્યાં છે ત્યારે આ રહ્યા મારા જવાબ -
૧. સીબીઆઇએ સૌપ્રથમ ૧૩,૦૦૦ કરોડ રૂપિયાના અદાણી કોલસા કૌભાંડના મામલે એફઆઇઆર દાખલ કરવાની જરૂર છે.
૨. ચીન અને યુએઈની વ્યક્તિઓની માલિકીની ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ દ્વારા અદાણી ગ્રુપની કંપનીઓમાં રોકાણથી રાષ્ટ્રીય સુરક્ષા જોખમમાં મુકાય છે અને અદાણી ગ્રુપ ગૃહપ્રધાનની ઑફિસમાંથી ક્લિયરન્સ સાથે ભારતનાં પોર્ટ્સ અને ઍરપોર્ટ્સ ખરીદે છે. આ મામલે ઍક્શન પછી સીબીઆઇનું સ્વાગત છે, મારાં શૂઝની ગણતરી કરવા.’
એથિક્સ કમિટીની આજે મીટિંગ થશે
લોકસભાની એથિક્સ કમિટી મહુઆ મોઇત્રા વિરુદ્ધ કૅશ લઈને સંસદમાં સવાલ પૂછવાના આરોપના મામલે એક ડ્રાફ્ટ રિપોર્ટ સ્વીકારવા માટે આજે મીટિંગ કરે એવી શક્યતા છે. બીજેપીના એમપી નિશિકાંત દુબેએ મોઇત્રા વિરુદ્ધ લોકસભાના સ્પીકર ઓમ બિરલાને લેટર લખ્યો હતો.