23 March, 2025 12:52 PM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
BJPના નેતા યોગેશ રોહિલાએ પોતાની પત્ની અને ત્રણ બાળકોને ગોળી મારી હતી
ઉત્તર પ્રદેશના સહારનપુરમાં હચમચાવી દેનારી એક ઘટના બની છે. ગંગોહ વિસ્તારના સંગાથેડા ગામના BJPના નેતા યોગેશ રોહિલાએ પોતાની પત્ની અને ત્રણ બાળકોને ગોળી મારી હતી. એમાં બે બાળકોનાં ઘટનાસ્થળ પર અને એકનું હૉસ્પિટલમાં મોત થયાં હતાં, જ્યારે પત્ની ગંભીર રીતે ઘાયલ થઈ છે. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તમામને હૉસ્પિટલ ખસેડ્યાં હતાં. જોકે પોલીસે આરોપી BJPના નેતાની ધરપકડ કરી હતી. યોગેશ રોહિલા સહારનપુર જિલ્લા કારોબારીનો સભ્ય છે. તે લાંબા સમયથી માનસિક રીતે બીમાર હતો. જોકે હજી સુધી પોલીસ દ્વારા આ ઘટનાનું કોઈ સચોટ કારણ રજૂ નથી કરવામાં આવ્યું.
આ બધા વચ્ચે ચોંકાવનારી વાત એ છે કે આરોપી યોગેશ રોહિલાએ પરિવાર પર ફાયરિંગ કર્યા બાદ ભાગવાનો પ્રયાસ કર્યો નહોતો કે ન તો કોઈને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો. તેણે ખુદ પોલીસને ફોન કરીને કહ્યું હતું કે મેં મારી પત્ની અને બાળકોને ગોળી મારી દીધી છે. માહિતી મળતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આરોપીને કસ્ટડીમાં લઈને પૂછપરછ શરૂ કરી હતી.