AIIMSમાંથી રજા મળી ભારત રત્ન લાલકૃષ્ણ અડવાણીને, ગઈકાલે રાતે થયા હતા દાખલ

27 June, 2024 03:02 PM IST  |  Delhi | Gujarati Mid-day Online Correspondent

બીજેપીના વરિષ્ઠ નેતા અને પૂર્વ ઉપ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને દિલ્હીના એમ્સ હૉસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. બુધવારે મોડી રાતે તબિયત બગડવાથી તેમને એમ્સના યૂરોલૉજી વિભાગમાં દાખલ કરાવવામાં આવ્યા હતા.

લાલકૃષ્ણ અડવાણી (ફાઈલ તસવીર)

બીજેપીના વરિષ્ઠ નેતા અને પૂર્વ ઉપ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને દિલ્હીના એમ્સ હૉસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. બુધવારે મોડી રાતે તબિયત બગડવાથી તેમને એમ્સના યૂરોલૉજી વિભાગમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. ગુરુવારે લાલકૃષ્ણ અડવાણી એમ્સના પ્રાઈવેટ વૉર્ડમાંથી પોતાના સરકારી આવાસ પહોંચ્યા છે.

96 વર્ષીય પૂર્વ ઉપ વડાપ્રધાનને બુધવારે રાતે લગભગ 10.30 વાગ્યે દિલ્હીની અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS)ના જૂના ખાનગી વૉર્ડમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. સૂત્રો પ્રમાણે લાલકૃષ્ણ અડવવાણીની સ્થિતિ સ્થિર છે. યૂરોલૉજી, કાર્ડિયોલૉજી અને જેરિએટ્રિક મેડિસિનના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોની એક ખાસ ટીમ તેમની દેખરેખ કરી રહી હતી. અડવાણીને કઈ બીમારીને કારણે દાખલ કરવામાં આવ્યા હતા તેની માહિતી હતી મળી શકી નથી.

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને દિલ્હી એઈમ્સમાંથી રજા આપવામાં આવી છે. 96 વર્ષીય અડવાણીને બુધવારે મોડી રાત્રે AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ અડવાણીને ઉંમર સંબંધિત સમસ્યાઓના કારણે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. તેમને AIIMS ના જેરિયાટ્રિક વિભાગના ડોકટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા.

અડવાણી 2014થી સક્રિય રાજકારણથી દૂર છે. હાલમાં જ તેમની તસવીર સામે આવી હતી, જ્યારે એનડીએ સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને તેમના ઘરે મળવા ગયા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા. ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને 31 માર્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અડવાણી સૌથી લાંબા સમય સુધી ભાજપના અધ્યક્ષ રહ્યા છે. તેઓ દેશના નાયબ વડાપ્રધાન પણ રહી ચૂક્યા છે.

કરાચી, પાકિસ્તાનમાં જન્મ
લાલકૃષ્ણ અડવાણીનો જન્મ 8 નવેમ્બર, 1927ના રોજ પાકિસ્તાનના કરાચીમાં એક હિન્દુ સિંધી પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ કિશનચંદ અડવાણી અને માતાનું નામ જ્ઞાની દેવી છે. તેમના પિતા વ્યવસાયે ઉદ્યોગસાહસિક હતા. તેમણે પ્રારંભિક શિક્ષણ કરાચીની સેન્ટ પેટ્રિક હાઈસ્કૂલમાંથી મેળવ્યું હતું. આ પછી તેઓ ડીજી નેશનલ સ્કૂલ, હૈદરાબાદ, સિંધમાં જોડાયા.

વિભાજન સમયે મુંબઈ આવ્યા હતા
અડવાણી 1947માં દેશની આઝાદીની ઉજવણી પણ કરી શક્યા નહોતા કારણ કે આઝાદીના થોડા જ કલાકોમાં તેમને પોતાનું ઘર છોડીને ભારત જવાનું થયું હતું. વિભાજન સમયે તેમનો પરિવાર પાકિસ્તાન છોડીને મુંબઈમાં સ્થાયી થયો હતો. અહીં તેમણે બોમ્બે યુનિવર્સિટીની લો કોલેજમાંથી કાયદાનો અભ્યાસ કર્યો. તેમની પત્નીનું નામ કમલા અડવાણી છે. તેમના પુત્રનું નામ જયંત અડવાણી અને પુત્રીનું નામ પ્રતિભા અડવાણી છે.

સૌથી લાંબો સમય સુધી ભાજપના અધ્યક્ષ હતા
અડવાણીએ તેમની રાજકીય કારકિર્દી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શરૂ કરી હતી. ઘણા વર્ષો સુધી અડવાણી રાજસ્થાનમાં આરએસએસના પ્રચારકના કામમાં રોકાયેલા હતા. તેઓ ભારતીય જનતા પાર્ટીનો પાયો નાખનારાઓમાં સામેલ છે.

1980 અને 1990 ની વચ્ચે અડવાણીએ ભાજપને રાષ્ટ્રીય સ્તરની પાર્ટી બનાવવાનું કામ કર્યું. લાલકૃષ્ણ અડવાણી ત્રણ વખત (1986 થી 1990, 1993 થી 1998 અને 2004 થી 2005) ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂક્યા છે. 1984માં માત્ર બે બેઠકો જીતનાર પાર્ટીને આગામી લોકસભા ચૂંટણીમાં 86 બેઠકો મળી હતી. પાર્ટીની સ્થિતિ 1992માં 121 અને 1996માં 161 સીટો પર પહોંચી હતી. આઝાદી પછી પહેલીવાર કોંગ્રેસ સત્તામાંથી બહાર થઈ હતી અને ભાજપ સૌથી વધુ સંખ્યા ધરાવતી પાર્ટી તરીકે ઉભરી હતી.

અટલ સરકારમાં નાયબ વડાપ્રધાન
તેઓ 1998 અને 2004 વચ્ચે ભાજપના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)માં ગૃહ પ્રધાન હતા. લાલ કૃષ્ણ અડવાણી 2002 થી 2004 ની વચ્ચે અટલ બિહારી વાજપેયીની સરકારમાં ભારતના સાતમા નાયબ વડા પ્રધાન પદે હતા. 10મી અને 14મી લોકસભા દરમિયાન તેમણે વિપક્ષના નેતાની ભૂમિકા ખૂબ સારી રીતે નિભાવી છે. 2015 માં, તેમને ભારતના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.

રામ મંદિર નિર્માણ માટે રામ રથયાત્રા
1980ના દાયકાની શરૂઆતમાં વિશ્વ હિંદુ પરિષદે અયોધ્યામાં રામજન્મભૂમિના સ્થળે મંદિર બનાવવા માટે ચળવળ શરૂ કરી હતી. બીજી તરફ અડવાણીના નેતૃત્વમાં ભાજપ રામમંદિર આંદોલનનો ચહેરો બની ગયો. અડવાણીએ 25 સપ્ટેમ્બર, 1990ના રોજ પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતિ પર સોમનાથથી રામ રથયાત્રાની શરૂઆત કરી હતી.

l k advani delhi news health tips bharatiya janata party national news