12 July, 2023 03:11 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ ફોટો
ભારતીય જનતા પાર્ટી (BJP)ની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ ગુજરાત (Gujarat)અને પશ્ચિમ બંગાળ (West Bengal)માં રાજ્યસભાની આગામી દ્વિવાર્ષિક ચૂંટણીઓ માટે ત્રણ ઉમેદવારોના નામોને મંજૂરી આપી દીધી છે. ભાજપે આગામી રાજ્યસભાની ચૂંટણી માટે બાબુભાઈ જેસંગભાઈ દેસાઈ અને કેશરીદેવસિંહ ઝાલાને ગુજરાત અને પશ્ચિમ બંગાળમાંથી અનંત મહારાજને ઉમેદવાર જાહેર કર્યા છે.
તમને જણાવી દઈએ કે ચૂંટણી પંચે રાજ્યસભા (Candidates Of Rajya sabha election)ની 10 બેઠકો માટે ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. જેમાં પશ્ચિમ બંગાળમાં છ, ગુજરાતમાં ત્રણ અને ગોવામાં એક બેઠક માટે 24 જુલાઈએ મતદાન થશે.અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરે રાજ્યસભા માટે ઉમેદવારી પત્ર ભર્યું હતું.
કોણ છે બાબુભાઈ દેસાઈ અને કેશરીદેવસિંહ ઝાલા?
ભાજપે ગુજરાતમાંથી જે અન્ય બે નામોની જાહેરાત કરી છે તેમાં બાબુભાઈ દેસાઈ અને કેશરીદેવસિંહ ઝાલાના નામનો સમાવેશ થાય છે. બાબુભાઈ દેસાઈ બનાસકાંઠા જિલ્લાની કાંકરેજ બેઠક પરથી 2007માં ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા અને ધારાસભ્ય બન્યા હતા. દેસાઈ ગુજરાતના શ્રેષ્ઠ ધારાસભ્ય એવોર્ડ વિજેતા છે. જ્યારે કેશરીદેવસિંહ ઝાલા વાંકાનેર રાજ્યના રાજવી પરિવારના છે.
કોણ છે અનંત મહારાજ?
પશ્ચિમ બંગાળના ભાજપના ઉમેદવાર અનંત મહારાજ રાજવંશી સમુદાયના નેતા છે. તેઓ ગ્રેટર કૂચ બિહાર પીપલ્સ એસોસિએશનના વડા છે. અનંત મહારાજ લાંબા સમયથી અલગ ગ્રેટર કૂચ બિહાર રાજ્યની માંગ કરી રહ્યા છે.
અહીં નોંધવું રહ્યું કે સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થશે. કેન્દ્રીય સંસદીય કાર્ય પ્રધાન પ્રહલાદ જોશીએ આ માહિતી આપી છે. તેમણે ટ્વીટ કરી માહિતી આપકા કહ્યું કે સંસદનું ચોમાસુ સત્ર 20મી જુલાઈ 2023થી શરૂ થશે અને 11મી ઑગસ્ટ સુધી ચાલશે. તેમણે વધુમાં જણાવ્યું કે આ 23 દિવસના સત્રમાં કુલ 17 બેઠકો થશે. હું તમામ પક્ષોને વિનંતી કરવા માગુ છું સત્ર દરમિયાન સંસદના કાયદાકીય મુદ્દાઓ પર કામ કરવામાં અન્ય અને કાર્યોમાં રચનાત્મક યોગદાન આપે. ખાસ વાત એ છે કે આ ચોમાસુ સત્ર નવા સંસદભવનમાં ચાલશે.PM નરેન્દ્ર મોદીએ 28 તારીખે નવી સંસદનું ઉદ્ઘાટન કર્યું હતું.
જ્યારે બીજી તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે મોદી સરકાર આ સત્રમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલ રજૂ કરી શકે છે. UCC સંસદીય સમિતિને કાયદા સંબંધિત બિલ પણ મોકલી શકે છે.