10 August, 2021 01:41 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતિકાત્મક તસવીર
વર્ષ 2019-20માં વેચાયેલા ચૂંટણી બોન્ડનું સૌથી વધુ ભંડોળ ભાજપને મળ્યું હોવાનું સ્પષ્ટ થઈ ગયું છે. વર્ષ 2019-20 માટે ચૂંટણી બોન્ડ દ્વારા મેળવેલા ભંડોળમાંથી માત્ર ભાજપને 74 ટકા ભંડોળ મળ્યું છે. કોંગ્રેસને 9 ટકા ભંડોળ મળ્યું છે. આ માહિતી ઈન્ડિયન એક્સપ્રેસ અખબાર દ્વારા કેન્દ્રીય ચૂંટણી પંચ પાસે માંગવામાં આવેલી માહિતીના આધારે આપવામાં આવી હતી.
કુલ રૂ. 3,427 કરોડના ચૂંટણી બોન્ડ્સમાંથી ભાજપને 74 ટકા એટલે કે રૂ. 2,555 કરોડ મળ્યા છે. 2017-18માં ભાજપને 71 ટકા ઇલેક્ટોરલ બોન્ડ ફંડ મળ્યું હતું. તે હવે ત્રણ ટકા વધીને 74 ટકા થયો છે. 2017-18માં ભાજપને 210 કરોડ રૂપિયા મળ્યા હતા. તે ભંડોળ હવે દસ ગણુ વધીને 2,555 કરોડ રૂપિયા થઈ ગયું છે.
આ સમયગાળા દરમિયાન કોંગ્રેસને માત્ર 383 કરોડ રૂપિયા મળ્યા છે, જ્યારે એનસીપીને 29.25 કરોડ રૂપિયા મળ્યા છે. TMC ને 100.46 કરોડ રૂપિયા મળ્યા જ્યારે શિવસેનાને 41 કરોડ રૂપિયા મળ્યાનું ભંડોળ બોન્ડ સ્વરૂપે મળ્યું છે. આમ આદમી પાર્ટીએ ચૂંટણી બોન્ડ દ્વારા 18 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે.
મોદી સરકારે ચૂંટણી ભંડોળમાં પારદર્શિતા લાવવા માટે જાન્યુઆરી 2018માં ચૂંટણી બોન્ડ રજૂ કર્યા હતા. આ ચૂંટણી બોન્ડ વર્ષમાં ચાર વખત જાન્યુઆરી, એપ્રિલ, જુલાઈ અને ઓક્ટોબર મહિનામાં આપવામાં આવે છે. કેન્દ્ર સરકારે દાવો કર્યો હતો કે ચૂંટણી બોન્ડ ચૂંટણીમાં કાળા નાણાંના ઉપયોગ પર અંકુશ લગાવશે, પરંતુ હજુ પણ આ અંગે ઘણી શંકાઓ ઊભી જ છે.
કેન્દ્રીય માહિતી આયોગ (CIC)એ ગયા વર્ષે ડિસેમ્બરમાં સ્પષ્ટતા કરી હતી કે ચૂંટણી બોન્ડ દ્વારા રાજકીય પક્ષોને કોણે ચૂકવણી કરી તે અંગેની માહિતી સાર્વજનિક કરી શકાતી નથી. કેન્દ્રીય માહિતી આયોગ સમક્ષ એક અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં જણાવાયું હતું કે જેઓએ ચૂંટણી બોન્ડ દ્વારા રાજકીય પક્ષોને પૈસા આપ્યા છે તેમના નામ અને કેટલી રકમ આપી છે તે જાહેર કરવામાં આવે, પરંતુ આયોગે જવાબમાં કહ્યું હતું કે આવી માહિતી જાહેર હિતમાં નથી.