13 February, 2024 09:10 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
વડાપ્રધાન નરેન્દ્ર મોદી
નવી દિલ્હી (પી.ટી.આઇ.) : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વિડિયો-કૉન્ફરન્સિંગ દ્વારા રોજગાર મેળામાં એક લાખથી વધુ યુવાનોને સરકારી નોકરીઓ માટે અપૉઇન્ટમેન્ટ લેટરનું વિતરણ કર્યું હતું. આ દરમ્યાન તેમણે જણાવ્યું હતું કે તેમની સરકારે ૧૦ વર્ષમાં અગાઉની સરકારની સરખામણીએ ૧.૫ ગણી વધુ નોકરીઓ આપી છે. પીએમ મોદીએ ભરતીમાં વિલંબ અને લાંચની ઘટનાઓ માટે અગાઉની સરકારો પર નિશાન સાધતાં કહ્યું કે અગાઉની સરકારોએ સામાન્ય લોકોની અપેક્ષાઓને અવગણી હતી. વડા પ્રધાને કહ્યું કે અમારી સરકારે ભરતી પ્રક્રિયાને પારદર્શક બનાવી છે અને ભરતી સમયસર થાય એ સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો છે. તો રૂફટૉપ સોલર પાવરની યોજના, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ જેવાં પગલાં લઈને રોજગારીની અનેક તકો ઊભી કરી છે. પીએમે કહ્યું કે ‘યુવાનો હવે માને છે કે તેમની પાસે સમાન તક છે અને તેઓ પોતાની પ્રતિભાથી સરકારી તંત્રમાં પોતાનું સ્થાન મેળવી શકે છે. ભારત ૧.૨૫ લાખથી વધુ સ્ટાર્ટ-અપ્સ સાથે આ સેક્ટરની ત્રીજી સૌથી મોટી ઇકો-સિસ્ટમ છે.’ રોજગાર મેળામાં પીએમ મોદીએ ‘કર્મયોગી ભવન’ના પ્રથમ તબક્કાનો શિલાન્યાસ પણ કર્યો હતો.