07 April, 2023 12:17 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
નવી દિલ્હીમાં ગઈ કાલે બીજેપીના સ્થાપના દિવસના પ્રસંગે પાર્ટીના નેતાઓ અને કાર્યકરોને વર્ચ્યુઅલી સંબોધી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે બીજેપીના સ્થાપના દિવસે પાર્ટીના કાર્યકરોને સંબોધન કર્યું હતું, જેમાં તેમણે ખાસ કરીને ભ્રષ્ટાચાર અને પરિવારવાદના મુદ્દે વિપક્ષોની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે બાદશાહી માનસિકતા ધરાવતા લોકો હવે મારી કબર ખોદવાની ધમકી આપી રહ્યા છે.
ભગવાન હનુમાન જયંતીના સંબંધમાં વડા પ્રધાને કહ્યું હતું કે ‘સમગ્ર દેશમાં આપણે ભગવાન હનુમાનની જયંતીની ઉજવણી કરી. હનુમાનજીનું જીવન, તેમના જીવનચરિત્રના મહત્ત્વના પ્રસંગો આજે પણ ભારતની વિકાસયાત્રામાં પ્રેરણા આપે છે. પુરુષાર્થ માટે પ્રેરણા આપે છે. હનુમાનજી પાસે અપાર શક્તિ છે. જોકે, આ શક્તિનો ઉપયોગ તેઓ ત્યારે જ કરી શક્યા હતા કે જ્યારે પોતાના પરનો તેમનો સંદેહ સમાપ્ત થઈ ગયો. ૨૦૧૪ પહેલાં ભારતની પણ એવી જ સ્થિતિ હતી. ભરપૂર ક્ષમતા હોવા છતાં નાગરિકો શંકાઓથી ઘેરાયેલા હતા. આજે બજરંગબલીની જેમ ભારત પોતાની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓનો ખ્યાલ મેળવી ચૂક્યો છે. આજે ભારત સમુદ્ર જેટલા વિશાળ પડકારોનો સામનો કરવામાં પહેલાં કરતાં અનેક ગણું વધારે સક્ષમ છે. બીજેપીને હનુમાનજી પાસેથી બીજી એક પ્રેરણા મળે છે. હનુમાનજીએ જ્યારે રાક્ષસોનો સામનો કરવો પડ્યો ત્યારે તેઓ એટલા જ કઠોર પણ થઈ ગયા હતા. એ જ રીતે જ્યારે ભ્રષ્ટાચાર અને પરિવારવાદની વાત આવે ત્યારે, કાયદો-વ્યવસ્થાની વાત આવે, બીજેપી મા ભારતીને આ દૂષણોથી મુક્તિ અપાવવા માટે એટલી જ સંકલ્પબદ્ધ થઈ જાય છે.’
આ પણ વાંચો : BJP Foundation Day : ‘લોકશાહીના ગર્ભમાંથી ભાજપનો જન્મ થયો છે’ - વડાપ્રધાન મોદી
સામાજિક ન્યાયનો દાવો કરનારી પૉલિટિકલ પાર્ટીઓ વિશે તેમણે જણાવ્યું હતું કે ‘છેલ્લાં કેટલાંક વર્ષોમાં અનેક પૉલિટિકલ પાર્ટીઓ સામાજિક ન્યાયના નામે રાજકારણનો દેખાડો કરે છે. આ પાર્ટીઓના અધ્યક્ષો સમાજનું નહીં, પરંતુ તેમના પરિવારનું જ કલ્યાણ કરે છે, જ્યારે બીજેપી સામાજિક ન્યાયની ભાવનાનું અક્ષરસહ પાલન કરે છે. ૮૦ કરોડ ગરીબોને કોઈ ભેદભાવ વિના ફ્રીમાં રૅશન મળવું એ જ સામાજિક ન્યાયનું પ્રતિબિંબ છે. ૫૦ કરોડ લોકોને ભેદભાવ વિના પાંચ લાખ રૂપિયા સુધીની ફ્રીમાં સારવારની સુવિધા પૂરી પાડવી એ સામાજિક ન્યાયની સશક્ત અભિવ્યક્તિ છે.’
અંગ્રેજો કેટલાક લોકોના માનસમાં ગુલામ બનાવવાની માનસિકતા છોડી ગયા
કૉન્ગ્રેસ પર આકરા પ્રહાર કરતાં વડા પ્રધાને કહ્યું હતું કે ‘૧૯૪૭માં અંગ્રેજો ભલે જતા રહ્યા, પરંતુ જનતાને ગુલામ બનાવવાની માનસિકતા અહીં જ કેટલાક લોકોના માનસમાં છોડીને જતા રહ્યા. એટલા માટે જ આઝાદી પછીનાં વર્ષોમાં દેશમાં એવો વર્ગ ખૂબ ફૂલ્યોફાલ્યો જે સત્તાને પોતાનો જન્મજાત અધિકાર સમજતો હતો. આ લોકોની બાદશાહી માનસિકતાએ દેશની જનતાને હંમેશાં ગુલામ માન્યા. ૨૦૧૪માં આ શોષિત વર્ગે પોતાનો અવાજ બુલંદ કર્યો. બાદશાહી માનસિકતાવાળા લોકો આ વર્ગના અવાજને કચડતા રહેતા હતા. બાદશાહી માનસિકતાવાળા લોકોની નફરત વધી ગઈ. તેમણે ક્યારેય વિચાર્યું નહોતું કે દશકાઓથી હિંસાનો સામનો કરનારા જમ્મુ-કાશ્મીર અને પૂર્વોત્તરમાં શાંતિનો સૂરજ ઊગશે. જે કામ દશકાઓ સુધી સરકારો ચલાવનારાઓ સુધી નહોતા કરી શક્યા એ કામ બીજેપીની સરકાર કેવી રીતે કરી રહી છે એ તેમને પચી શકતું નથી. એટલા માટે નફરતથી ભરેલા લોકો આજે એક પછી એક જૂઠાણું ચલાવી રહ્યા છે. પોતાના ભ્રષ્ટાચારનો ખુલાસો થતો જોઈને તેઓ અકળાઈ ગયા છે. આ લોકો એટલા હતાશ અને નિરાશ થઈ ગયા છે કે એક જ રસ્તો તેમને દેખાય છે. તેઓ જાહેરમાં કહેવા લાગ્યા કે મોદી તેરી કબર ખુદેગી. તેઓ કબર ખોદવાની ધમકી આપવા લાગ્યા છે. બાદશાહી માનસિકતાવાળા આ લોકોને, આ પાર્ટીઓને જાણ નથી કે આજે દેશનો ગરીબ, સામાન્ય માણસ, યુવાનો, માતા-બહેનો-દીકરીઓ, દલિતો, વંચિતો અને આદિવાસીઓ સહિત દરેક જણ બીજેપીના કમળને ખીલવવા માટે, બીજેપીના કમળનું રક્ષણ કરવા માટે સુરક્ષા કવચ બન્યા છે.’