31 March, 2023 02:01 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રાહુલ ગાંધી ફાઇલ તસવીર
જર્મન વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીનું સંસદસભ્યપદ રદ કરવાની વિરુદ્ધમાં પોતાનો ઑપિનિયન આપ્યા બાદ દેશના રાજકારણમાં એના પડઘા પડ્યા છે. કૉન્ગ્રેસના નેતા દિગ્વિજય સિંહે રાહુલનું સંસદસભ્યપદ રદ કરવામાં આવ્યું છે એની નોંધ લેવા બદલ જર્મનીનો આભાર વ્યક્ત કર્યો હતો ત્યારે કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે ગઈ કાલે દિગ્વિજયની આકરી ટીકા કરી હતી.
જર્મનીના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘ન્યાયિક આઝાદીનાં ધોરણો અને લોકતાંત્રિક સિદ્ધાંતોનું પાલન થાય એવી જર્મનીને અપેક્ષા છે.’ જેના જવાબમાં દિગ્વિજય સિંહે ટ્વીટ કર્યું હતું કે ‘રાહુલ ગાંધીનું દમન કરીને ભારતમાં કેવી રીતે લોકશાહીને કચડવામાં આવી રહી છે એની નોંધ લેવા બદલ જર્મનીના વિદેશ મંત્રાલયનો આભાર.’
જેના પછી ઠાકુરે ટ્વીટ કર્યું હતું કે ‘દેશનું અપમાન. કૉન્ગ્રેસ અને રાહુલ ગાંધી દેશમાં રહીને ભારતની લોકતાંત્રિક, રાજકીય અને કાયદાકીય લડાઈ લડવામાં માનતા નથી. એટલા માટે જ આપણા આંતરિક મામલે હસ્તક્ષેપ કરવા માટે વિદેશી તાકાતોને આવકારે છે.’
કાયદા પ્રધાન કિરેન રિજિજુએ કૉન્ગ્રેસની આકરી ટીકા કરતાં ટ્વીટ કર્યું હતું કે ‘યાદ રાખો કે ભારતીય ન્યાયતંત્ર વિદેશી હસ્તક્ષેપથી પ્રભાવિત ન થઈ શકે. ભારત હવે ‘વિદેશી પ્રભાવ’ને સહન નહીં કરે, કેમ કે આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી છે.’
લોકતાંત્રિક પ્રક્રિયાઓથી જ લોકશાહી બચાવવી પડશે : કૉન્ગ્રેસ
કેન્દ્રીય પ્રધાનોના શાબ્દિક હુમલા બાદ કૉન્ગ્રેસના મહાસચિવ જયરામ રમેશે ટ્વીટ કર્યું હતું કે ‘કૉન્ગ્રેસ માને છે કે ભારતની લોકતાંિત્રક પ્રક્રિયાઓએ જ પીએમ મોદીના આપણાં સંસ્થાનો પરના હુમલા તેમ જ વેર અને હૅરૅસમેન્ટના તેમના પૉલિટિક્સના કારણે લોકશાહી પર ઊભા થયેલા ખતરાનો સામનો કરવો પડશે.’