17 February, 2025 10:41 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અમેરિકાના નવા પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પના પ્રશાસનમાં ઇલૉન મસ્કના નેતૃત્વમાં બનાવવામાં આવેલા ડિપાર્ટમેન્ટ ઑફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE) એ રવિવારે સરકારી ખર્ચમાં કાપ મૂકવાની જાહેરાત કરી હતી જેમાં ભારતમાં મતદારોમાં જાગૃતિ ફેલાવવાના નામે આપવામાં આવતા ૨૧ મિલ્યન ડૉલર (આશરે ૧૮૨ કરોડ રૂપિયા)ની રકમનો પણ સમાવેશ છે.
આ મુદ્દે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP)એ સખત પ્રતિક્રિયા આપી છે અને જણાવ્યું છે કે આ તો ચૂંટણીમાં બહારના દેશનો હસ્તક્ષેપ છે. આ નાણાંનો ફાયદો કોને થતો હતો એવો સવાલ પણ એણે પૂછ્યો છે.
ઇલૉન મસ્કે ખર્ચમાં જે કાપ મૂક્યો છે એમાં ભારત, બંગલાદેશ, મોઝૅમ્બિક, નેપાલ સહિતના ઘણા દેશ છે. તેમને પણ બધી સહાય રોકી દેવામાં આવી છે.
ઇલૉન મસ્કને સરકારી ખર્ચમાં કાપ મૂકવાનું કામ સોંપવામાં આવ્યું છે. રવિવારની જાહેરાતમાં ૪૮૬ મિલ્યન ડૉલરના ખર્ચને રોકી દેવામાં આવ્યો છે. મસ્કે જણાવ્યું છે કે અમેરિકી ટૅક્સપેયર્સનાં નાણાં આવી રીતે વિદેશોને અપાતી સહાયમાં ખર્ચવામાં નહીં આવે, આમ થતું રહેશે તો એક દિવસ અમેરિકા દેવાળિયું બની જશે.
BJPના ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (IT) વિભાગના પ્રમુખ અમિત માલવિયાએ ઍક્સ પરની પોસ્ટમાં લખ્યું હતું કે ‘૧૮૨ કરોડ રૂપિયા ભારતમાં મતદાન માટે ફાળવવામાં આવ્યા હતા. આ નિશ્ચિતરૂપે ભારતની ચૂંટણીપ્રક્રિયામાં બહારના દેશનો હસ્તક્ષેપ છે. આનો ફાયદો કોને થતો હતો? સત્તાધારી પક્ષને તો બિલકુલ નહીં.’
આ મુદ્દે અમિત માલવિયાએ આરોપ લગાવ્યો હતો કે ‘ફરી એક વાર ઓપન સોસાયટી ફાઉન્ડેશનના જ્યૉર્જ સોરોસનું નામ બહાર આવ્યું છે. કૉન્ગ્રેસ પાર્ટી અને ગાંધી પરિવાર સાથે તેને ઘરોબો છે. તે ભારતની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી રહ્યો છે. કૉન્ગ્રેસપ્રણિત યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ (UPA)એ દેશનાં હિતોની વિરુદ્ધ શક્તિઓ દ્વારા ભારતની સંસ્થાઓમાં ઘૂસણખોરીને વ્યવસ્થિત રીતે સક્ષમ બનાવી છે જે દરેક તક પર ભારતને નબળું પાડવાની કોશિશ કરે છે. વિદેશથી આવતા ફન્ડ પર નભી રહેલી સંસ્થાઓ ભારતના રાજકારણને પ્રભાવિત કરવાનું કામ કરી રહ્યા છે.’