ઓડિશામાં ૧૨ જૂને BJPની નવી સરકારની શપથવિધિ

10 June, 2024 07:40 AM IST  |  Odisha | Gujarati Mid-day Correspondent

ચૂંટણીપ્રચાર વખતે વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે ઓડિશામાં BJPની સરકાર બનશે તો ૧૦ જૂને નવો યુવાન ચહેરો મુખ્ય પ્રધાન બનશે.

નરેન્દ્ર મોદી

ઓડિશામાં વિધાનસભાની થયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ પહેલી વાર સત્તા મેળવી છે અને હવે નવી સરકારનો શપથવિધિ સમારોહ ૧૦ના બદલે ૧૨ જૂને થવાનો છે. વિધાનસભાની ચૂંટણીમાં પચીસ વર્ષથી સત્તામાં રહેલી બીજુ જનતા દળ (BJD) પાર્ટીનો પરાજય થયો હતો.

સરકાર રચવાની તારીખમાં બદલાવ વિશે બોલતાં BJPના નેતાઓ જતીન મોહંતી અને વિજયપાલ સિંહ તોમરે જણાવ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રવિવારે શપથવિધિના કારણે આ ફેરફાર કરાયો છે. શપથવિધિ બાદ રાજ્યના સંસદસભ્યો પણ દિલ્હીમાં મીટિંગોમાં વ્યસ્ત રહેવાના કારણે હવે મંગળવારે BJP સંસદીય દળની બેઠક યોજાશે જેમાં નવા મુખ્ય પ્રધાનની પસંદગી કરવામાં આવશે.

ચૂંટણીપ્રચાર વખતે વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે ઓડિશામાં BJPની સરકાર બનશે તો ૧૦ જૂને નવો યુવાન ચહેરો મુખ્ય પ્રધાન બનશે. શનિવારે ઓડિશા BJP પ્રમુખ મનમોહન સમલે પણ આ વાત ઉચ્ચારી હતી, પણ રવિવારે તારીખ બદલવામાં આવી હતી.

મુખ્ય પ્રધાન કોણ બનશે એ વાત હજી સસ્પેન્સ છે. સિનિયર BJP નેતા અને નવ નિયુક્ત વિધાનસભ્ય સુરેશ પૂજારી નવી દિલ્હી ગયા હોવાથી તેમને મુખ્ય પ્રધાન બનાવાશે એવી અટકળો છે. ૨૦૧૯માં તેઓ લોકસભામાં ચૂંટાયા હતા, પણ હાલમાં તેઓ બ્રજરાજનગર વિધાનસભા બેઠક પર ચૂંટાઈ આવ્યા છે. 

odisha narendra modi bharatiya janata party Lok Sabha Election 2024 vidhan bhavan