શું આ અરવિંદ કેજરીવાલના શીશમહેલમાં લગાવવામાં આવેલું ગોલ્ડ પ્લેટેડ ટૉઇલેટ છે?

01 January, 2025 11:17 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

 BJPના દાવાને સાચો માનીએ તો એની કિંમત ૧.૪૪ કરોડ રૂપિયા છે

શીશમહેલમાં લગાવવામાં આવેલા આવા ટૉઇલેટની કિંમત ૧.૪૪ કરોડ રૂપિયા

દિલ્હીના તત્કાલીન મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાનના ટૉઇલેટમાં લગાવવામાં આવ્યા હોવાનું મનાતાં કેટલાંક કમોડને ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા આર. પી. સિંહે લોકો સમક્ષ રજૂ કર્યાં હતાં અને જણાવ્યું હતું કે ‘આ ગોલ્ડ પ્લેટેડ ટૉઇલેટ છે. દિલ્હીના મુખ્ય પ્રધાને તેમના ઘરમાં આવાં બાર ટૉઇલેટ લગાવ્યાં હતાં. કેજરીવાલના ૫૬ કરોડ રૂપિયાના શીશમહેલમાં લગાવવામાં આવેલા આવા ટૉઇલેટની કિંમત ૧.૪૪ કરોડ રૂપિયા હતી. અમે લોકોને કહેવા માગીએ છીએ કે તેઓ તમને મતના બદલામાં રેવડી આપે છે અને પછી આવું કામ કરે છે. અહીં કેવાં ટૉઇલેટ છે એની ક​ન્ડિશન આપણને ખબર છે. અમે લોકોને કહેવા માગીએ છીએ કે જ્યારે અમારી સરકાર આવશે ત્યારે અમે દિલ્હીમાં સારાં ટૉઇલેટ અને બાથરૂમ બાંધીશું. દિલ્હીને રેવડીના નામે લૂંટવામાં આવી રહી છે.’

દિલ્હી વિધાનસભામાં વિપક્ષના નેતા વીજેન્દર ગુપ્તાએ શનિવારે અરવિંદ કેજરીવાલ પર નિશાન તાકતાં આરોપ લગાવ્યો હતો કે ‘૬, ફ્લૅગ સ્ટાફ રોડ પરના મુખ્ય પ્રધાનના બંગલાનું ૨૦૦ કરોડ રૂપિયાના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું હતું. કેજરીવાલે આ મુદ્દે તેમની વાત રજૂ કરવી જોઈએ. શીશમહેલમાં તેમણે ભારે ભ્રષ્ટાચાર કર્યો છે.’

arvind kejriwal bharatiya janata party new delhi news national news political news