02 December, 2022 09:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉત્તરાખંડના ઔલીમાં ભારત-અમેરિકા સંયુક્ત યુદ્ધ અભ્યાસ દરમ્યાન દુશ્મન દેશના ડ્રોનનો શિકાર કરવા માટે ટ્રેઇન્ડ પક્ષી ‘અર્જુન’ સાથે ઇન્ડિયન આર્મીનો સૈનિક.
નવી દિલ્હી: ઉત્તરાખંડના ઔલીમાં ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અભ્યાસમાં ઇન્ડિયન આર્મીએ પોતાનું એક વિશેષ ‘શસ્ત્ર’ રજૂ કર્યું છે, જે વાસ્તવમાં દુશ્મન દેશોના ડ્રોન્સનો શિકાર કરતું પક્ષી છે.
આ યુદ્ધ અભ્યાસ દરમ્યાન આ પક્ષીઓને ઍક્શન મોડમાં બતાવાયાં હતાં. દુશ્મન દેશના ડ્રોનને શોધીને એનો ખાતમો બોલાવવા માટે ટ્રેઇન્ડ ‘અર્જુન’ કોડ નેમ ધરાવતા એક પક્ષીએ એની સ્કિલ રજૂ કરી હતી. આ ટ્રેઇનિંગ દરમ્યાન ઇન્ડિયન આર્મીએ એક એવી સ્થિતિ સર્જી હતી કે જાણે એમાં તેમણે એક ડૉગ અને એક પક્ષીની મદદથી દુશ્મન દેશના ડ્રોનને શોધીને એને ખલાસ કરવાનું હતું.
આ સ્થિતિ બિલકુલ રિયલ હોય એવી જ હતી. ડ્રોનનું લોકેશન શોધવા માટે એક પક્ષીને ઉડાડવામાં આવ્યું હતું. બીજી તરફ અવાજ સાંભળીને ડૉગે ડ્રોનના ખતરા વિશે ઇન્ડિયન આર્મીને અલર્ટ કરી હતી. આ બધું બન્યું હતું ત્યારે પક્ષીએ પણ દુશ્મનનું ચોક્કસ લોકેશન શોધ્યું હતું.
ઇન્ડિયન આર્મીના સૈનિકો દુશ્મન દેશના ડ્રોન્સને શોધવા માટે ગરુડ પક્ષીઓને તાલીમ આપી રહ્યા છે. એ ઉપરાંત જુદાં-જુદાં મિશન માટે ટ્રેઇન્ડ ડૉગ્ઝનો પણ ઉપયોગ કરી રહ્યા છે.
પંજાબ અને જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન તરફથી ડ્રોન્સ વડે ભારતમાં રહેલા આતંકવાદીઓ અને ગૅન્ગસ્ટર્સને હથિયારો અને ડ્રગ્સ મોકલવામાં આવી રહ્યાં છે. આવી સ્થિતિમાં આ રીતે પક્ષીઓ અને ડૉગ્સના ઉપયોગથી ઇન્ડિયન આર્મીને મદદ મળી શકે છે.