28 January, 2023 11:17 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કોટાઃ શાહરુખ ખાનની ફિલ્મ ‘પઠાન’ને લઈને ખૂબ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. મોટા ભાગનાં થિયેટર્સ હાઉસફુલ છે. લોકોને ટિકિટ પણ મળી રહી નથી. રાજસ્થાનમાં પણ મોટા ભાગનાં થિયેટર્સની બહાર હાઉસફુલનાં બોર્ડ જોવા મળે છે. કોટામાં તો એક થિયેટરે હાઉસફુલ થઈ ગયું હોવા છતાં ટિકિટ વેચી હતી, જેના લીધે સીટ ન મળતાં લોકોએ ખૂબ જ હંગામો મચાવ્યો હતો અને તોડફોડ કરી હતી.
રાજસ્થાનના કોટામાં નટરાજ થિયેટરમાં લોકોએ ખૂબ જ તોફાન કર્યું હતું. દર્શકોનું કહેવું હતું કે તેમને થિયેટરમાં જગ્યા જ નહોતી મળી. આ તોડફોડને જોઈને થિયેટર અને કૅન્ટીનના કર્મચારીઓ ભાગવા લાગ્યા હતા. લોકોનું કહેવું હતું કે સીટ્સ કરતાં વધારે ટિકિટ્સ વેચવામાં આવી હતી. ખૂબ જ તોફાન થતાં થિયેટરના માલિકે અનેક દર્શકોના રૂપિયા પાછા આપી દીધા હતા.
આ ફિલ્મ હૉલની ક્ષમતા લગભગ ૭૦૦ જેટલી હતી. જોકે ‘પઠાન’ મૂવીના લાસ્ટ શો માટે થિયેટરના સ્ટાફે ૧૪૦૦થી વધારે ટિકિટ્સ વેચી હતી. ઑનલાઇન બુકિંગ સિવાય ઑફલાઇન પણ ટિકિટ વેચવામાં આવી હતી. એક સ્ટાફ મેમ્બરે જણાવ્યું હતું કે આ થિયેટર નવું જ છે. અહીંના કર્મચારીઓ પણ નવા છે.