01 November, 2024 02:34 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બિબેક દેબરોય
જાણીતા અર્થશાસ્ત્રી અને લેખક બિબેક દેબરોયની આજે વસમી વિદાય (Bibek Debroy Death) થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આર્થિક સલાહકાર પરિષદના અધ્યક્ષ એવા બિબેક દેબરોયની ચીર વિદાય સમગ્ર ભારત દેશ માટે વસમી છે. આજે તેઓનું નિધન થયું છે. તેઓએ ૬૯ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા.
બિબેક દેબરોય વડાપ્રધાન મોદીની આર્થિક સલાહકાર પરિષદના અધ્યક્ષ હતા. સપ્ટેમ્બર મહિનામાં તેઓએ પૂણેની ગોખલે ઇન્સ્ટિટ્યૂટ ઑફ પોલિટિક્સ એન્ડ ઇકોનોમિક્સ (GIPE)ના વાઇસ ચાન્સેલર પદ પરથી રાજીનામું આપ્યું હતું. પ્રતિભાશાળી વ્યક્તિત્વ એવા બિબેક દેબરોય (Bibek Debroy Death) અનેક ફિલ્ડમાં માસ્ટર હતા. તેમણે કાયદાકીય સુધારા પર નાણા મંત્રાલયના UNDP પ્રોજેક્ટના ડિરેક્ટર તરીકે સુદ્ધાં કામ કર્યું હતું. 5 જૂન, 2019 સુધી નીતિ આયોગના સભ્ય તરીકે પણ તેઓએ કામગીરી બજાવી હતી. અસંખ્ય પુસ્તકો, પેપર અને લેખ દ્વારા તેઓએ સતત સમાજ સામે પ્રકાશિત થતાં રહ્યા છે. બિબેક દેબરોયે તો અનેક પુસ્તકો લખવાની સાથે જ કેટલાક ધાર્મિક ગ્રંથોના અનુવાદ પણ કર્યા છે.
બિબેક દેબરોયનું સ્કૂલનું શિક્ષણ નરેન્દ્રપુરની રામકૃષ્ણ મિશનમાં થયું હતું. ત્યારબાદ તેઓએ પ્રેસિડેન્સી કોલેજ, કોલકાતા અને દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં ઉચ્ચ અભ્યાસ કર્યો હતો. તે સાથે જ તેઓએ ટ્રિનિટી કોલેજ સ્કોલરશિપના સહારે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પણ આગળનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.
નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ પાઠવતા લખ્યું કે...
બિબેક દેબરોયના નિધન (Bibek Debroy Death) પર વડાપ્રધાન મોદીએ એક્સ પર લખ્યું હતું કે, "ડૉ. બિબેક દેબરોય જી એક વિદ્વાન હતા જે અર્થશાસ્ત્ર, ઇતિહાસ, સંસ્કૃતિ, રાજકારણ, આધ્યાત્મિકતા જેવા વિવિધ ક્ષેત્રોના સારી રીતે વાકેફ હતા. તેમના કાર્યો દ્વારા તેમણે ભારતના બૌદ્ધિક લેન્ડસ્કેપ પર અમીટ છાપ છોડી દીધી. જાહેર નીતિમાં તેમના યોગદાન ઉપરાંત તેમણે આપણા પ્રાચીન ગ્રંથો પર કામ કરવાનો આનંદ માણ્યો, જે થકી યુવાનો માટે સુલભતા રહી"
પદ્મશ્રી સહિતના અનેક સન્માનો મળ્યા હતા
પોતાના કાર્યોને કારણે જાણીતા થયેલા બિબેક દેબરોયને અનેક સન્માન મળ્યા હતા. તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન તેઓને 2015માં પદ્મશ્રી સહિત અનેક એવોર્ડ મળ્યા છે. 2016માં તેમને યુએસ-ઈન્ડિયા બિઝનેસ સમિટમાં લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા.
લેખક અશ્વિન સાંઘિએ લખ્યું હતું કે બિબેક દેબરોયની તીક્ષ્ણ બુદ્ધિ, વિશાળ જ્ઞાન અને સૌમ્ય રમૂજ અનેકો જીવનને સ્પર્શ્યા છે. તેઓએ એક આખો વારસો મૂક્યો છે જે પ્રેરણા આપતો રહેશે. ઓમ શાંતિ.
ડૉ. બિબેક દેબરોયના નિધન પર એસ. જયશંકરે વ્યક્ત કર્યો શોક
તેઓએ લખ્યું હતું કે, "શાસન અને નીતિ નિર્માણમાં તેમનું યોગદાન પ્રચંડ હતું. તેમની અસાધારણ પ્રતિભાનો ઉપયોગ આપણી સંસ્કૃતિ, ઇતિહાસ અને પરંપરાઓને ઘણી પેઢીઓ માટે સુલભ બનાવવા માટે કરવામાં આવ્યો હતો. એક સમર્પિત સુધારક, મહાન રાષ્ટ્રવાદી, વિદ્વાન વિદ્વાન અને અદ્ભુત મિત્રને યાદ (Bibek Debroy Death) કરું છું. ઓમ શાંતિ"