07 January, 2025 12:42 PM IST | Bhopal | Gujarati Mid-day Correspondent
મધ્ય પ્રદેશના ભોપાલમાં એક અનોખી ક્રિકેટ-ટુર્નામેન્ટનું આયોજન થયું
મધ્ય પ્રદેશના ભોપાલમાં એક અનોખી ક્રિકેટ-ટુર્નામેન્ટનું આયોજન થયું છે, જેમાં પ્રોફેશનલ ખેલાડીઓ નહીં પણ કર્મકાંડી બ્રાહ્મણો અને બટુકો વચ્ચે મૅચ યોજાઈ છે. આ ટુર્નામેન્ટની આ પાંચમી સીઝન છે. ખેલાડીઓ ધોતી અને કુરતો પહેરીને મૅચ રમી રહ્યા છે. ૧૬ ટીમો વચ્ચેની આ ટુર્નામેન્ટ ગઈ કાલે શરૂ થઈ છે અને ગુરુવારે એનું સમાપન થશે. ભોપાલના અંકુર મેદાનમાં યોજાયેલી આ ટુર્નામેન્ટના પહેલા દિવસે મેદાનમાં મંત્રોચ્ચાર સાથે ક્રિકેટ-મૅચની શરૂઆત થઈ હતી અને ધોતી-કુરતામાં સજ્જ ખેલાડીઓ મેદાનમાં ઊતર્યા હતા. આ મૅચની કૉમેન્ટરી પણ હિન્દી કે અંગ્રેજીને બદલે સંસ્કૃતમાં આપવામાં આવી રહી હતી. તમામ મૅચ દસ ઓવરની છે અને વિજેતા ટીમને ૨૧,૦૦૦ અને રનર-અપને ૧૧,૦૦૦ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. વિજેતા ટીમને પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભમેળામાં લઈ જઈને સંગમમાં ડૂબકી મારવાની તક પણ મળશે.
સનાતની પરંપરા
આ ક્રિકેટ-મૅચની કૉમેન્ટરી સંસ્કૃતમાં આપવામાં આવી રહી છે અને એના માટેના શબ્દો આશ્ચર્યમાં મૂકે એવા છે. આયોજકો થોડા સમયમાં હૉકી અને ફુટબૉલની મૅચ પણ સંસ્કૃતમાં યોજવાના છે. મહિલાઓ માટે ખો-ખોની રમત પણ સંસ્કૃતમાં યોજાઈ છે.
ક્રિકેટ એટલે કંદુકક્રીડા
સંસ્કૃતમાં ક્રિકેટને કંદુકક્રીડા નામ આપવામાં આવ્યું છે. બૅટરને વલ્લક, બોલરને ગેંદક, પિચને ક્ષિપ્યા, બૉલને કંદુકમ, વિકેટકીપરને સ્તોભરક્ષક, ફીલ્ડરને ક્ષેત્રરક્ષક, રનને ધાવનમ, ચોક્કાને ચતુષ્કમ, સિક્સરને ષટકમ કહેવામાં આવે છે. શૉર્ટપિચ બૉલને અવક્ષિપ્તમ, કૅચ-આઉટને ગૃહિતઃ, વાઇડ બૉલને અપકંદુકમ અને નો બૉલને નોકંદુકમ કહેવામાં આવે છે.