રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઘરઆંગણે જઈ લાલકૃષ્ણ અડવાણીને અનેયત કર્યો ભારત રત્ન

31 March, 2024 03:25 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ ડેપ્યુટી પીએમ લાલકૃષ્ણ અડવાણી (Bharat Ratna LK Advani)ને આજે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા

તસવીર: નરેન્દ્ર મોદીનું એક્સ એકાઉન્ટ

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ ડેપ્યુટી પીએમ લાલકૃષ્ણ અડવાણી (Bharat Ratna LK Advani)ને આજે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અડવાણીના ઘરની મુલાકાત લીધી અને તેમને ભારત રત્નથી સન્માનિત કર્યા. આ દરમિયાન તેમની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા. લાલકૃષ્ણ અડવાણી (Bharat Ratna LK Advani)ની તબિયત ખરાબ હોવાના કારણે શનિવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત કાર્યક્રમમાં હાજર રહી શક્યા ન હતા, જે બાદ તેમને તેમના દિલ્હીના નિવાસસ્થાને આ સન્માનથી નવાજવામાં આવ્યા હતા.

આ વર્ષે 5 વ્યક્તિઓને ભારત રત્ન

વર્ષની શરૂઆતમાં જ ભારત રત્ન (Bharat Ratna LK Advani) માટે 5 વ્યક્તિત્વોની પસંદગી કરવામાં આવી હતી, જેમાં પૂર્વ પીએમ નરસિમ્હા રાવ, પૂર્વ પીએમ ચૌધરી ચરણ સિંહ, એસ સ્વામીનાથન અય્યર, બિહારના પૂર્વ સીએમ કર્પુરી ઠાકુર અને પૂર્વ ડેપ્યુટી પીએમ લાલ કૃષ્ણ અડવાણીના નામ સામેલ છે. અડવાણી સિવાય બાકીની ચાર વ્યક્તિઓને આ સન્માન મરણોત્તર આપવામાં આવ્યું છે. આ સન્માન તેમના પરિવાર દ્વારા રાષ્ટ્રપતિ પાસેથી પ્રાપ્ત થયું હતું. અડવાણીની ખરાબ તબિયતને જોતા પહેલાથી જ નક્કી કરવામાં આવ્યું હતું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 31મી માર્ચ એટલે કે આજે તેમના ઘરે જશે અને તેમને ભારત રત્ન એનાયત કરશે.

અડવાણીને ભારત રત્ન આપવા હાજર રહ્યા આ મહાનુભાવો

લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવા માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ પણ હાજર રહ્યા હતા. અડવાણીનું સન્માન કરતો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ સન્માન દરમિયાન ત્યાંના લોકો ખૂબ જ ખુશ દેખાતા હતા. અડવાણી રામમંદિર આંદોલનના નેતા હતા. એક સમયે શક્તિશાળી વ્યક્તિત્વ ધરાવતા અને અટલ સરકારમાં ડેપ્યુટી પીએમ પદ પર રહેલા ભાજપના વરિષ્ઠ નેતા હાલમાં તેમની વૃદ્ધાવસ્થા અને ખરાબ સ્વાસ્થ્યને કારણે દિલ્હીમાં તેમના ઘરમાં રહે છે.

આ જીવન મારું નથી, એ તો રાષ્ટ્રને સમર્પિત છે

એક વ્યક્તિ તરીકે નહીં, બલકે આજીવન જે સિદ્ધાંતો અને આદર્શોને નિરંતર અનુસર્યો છું એ બદલ મારું સન્માન કરવામાં આવ્યું છે, એમ લાલ કૃષ્ણ અડવાણીએ જણાવ્યું હતું. બીજેપીના પીઢ નેતા લાલ કૃષ્ણ અડવાણીએ શનિવારે ભારત રત્નના અવૉર્ડથી સન્માનના પ્રત્યુત્તરમાં આમ જણાવ્યું હતું.

અડવાણીએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે આજે ભારત રત્ન અવૉર્ડથી મને નવાજવામાં આવ્યો એનો હું નમ્રતાપૂર્વક અને કૃતજ્ઞતાપૂર્વક સ્વીકાર કરું છું. લાગણીશીલ થઈ ગયેલા અડવાણીએ વધુમાં કહ્યું હતું કે આ જીવન કાંઈ મારું નથી, મારું જીવન તો રાષ્ટ્રને સમર્પિત છે.

l k advani droupadi murmu narendra modi bharatiya janata party bharat ratna india new delhi national news