12 June, 2024 07:10 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
ભગવંત માન
કંગના રનૌતને ચંડીગઢ ઍરપોર્ટ પર સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યૉરિટી ફોર્સ (CISF)ની મહિલા કૉન્સ્ટેબલ કુલવિંદર કૌરે મારેલી થપ્પડના મુદ્દે થયેલા વિવાદમાં હવે ઘટનાના ચાર દિવસ બાદ પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને એક નિવેદન આપ્યું છે અને એમાં કહ્યું છે કે CISFની કૉન્સ્ટેબલે કંગના રનૌતને થપ્પડ મારવાની જરૂર નહોતી, તેના દિલમાં ગુસ્સો હતો પણ થપ્પડ મારવી એ ખોટું છે; પણ જે રીતે કંગના નિવેદનો આપી રહી છે કે પંજાબમાં આતંકવાદ છે એ નિવેદન ખોટાં છે.
મીડિયા સાથેની વાતચીતમાં ભગવંત માને કહ્યું હતું કે ~કંગના એક સાર્વજનિક હસ્તી, ફિલ્મસ્ટાર અને નવનિર્વાચિત સંસદસભ્ય છે. આમ છતાં તે એમ કહે કે આખું પંજાબ આતંકવાદી છે તો એ ખોટું છે. કોઈ પણ રાજ્યને આવી રીતે બદનામ કરવાની જરૂર નથી. પંજાબ એ ધરતી છે જ્યાં સરહદ પર ગરમી હોય કે ઠંડી, દેશની સુરક્ષા માટે જવાનો તહેનાત હોય છે, પણ તેને હંમેશાં આતંકવાદની વાતો સૂઝે છે.’