કપડાંની પસંદગી બદલ મહિલાને ઍસિડ-અટૅકની ધમકી આપનારની નોકરી ગઈ

12 October, 2024 09:57 AM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

આ ઘટના બાદ મહિલાના પતિએ લખ્યું હતું કે મારી પત્ની ખ્યાતિશ્રીને ધમકી આપનારાએ નોકરી ગુમાવી છે

પ્રતીકાત્મક તસવીર

બૅન્ગલોરમાં એક મહિલાને તેની કપડાંની પસંદગી માટે ઍસિડ-અટૅકની ધમકી આપનારા નિકીથ શેટ્ટી નામના માણસને તેની કંપનીએ નોકરીમાંથી પાણીચું આપી દીધું હતું. આ મહિલાના પતિ શાહબાઝ અન્સારે સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરીને લખ્યું હતું કે આ માણસ મારી પત્નીને તેનાં કપડાંની પસંદગી સામે વિરોધ કરીને ઍસિડ-અટૅકની ધમકી આપે છે, આ માણસ સામે પગલાં લેવાં જોઈએ.

આ પોસ્ટ બાદ સોશ્યલ મીડિયા યુઝર્સે તેને શોધી કાઢ્યો હતો અને નિકીથ શેટ્ટી નામના આ માણસને તેની કંપનીએ પાંચ વર્ષ માટે નોકરીમાંથી બરખાસ્ત કરી દીધો હતો. કંપનીએ જણાવ્યું હતું કે તેની આવી હરકત સ્વીકાર્ય નથી.

આ ઘટના બાદ મહિલાના પતિએ લખ્યું હતું કે મારી પત્ની ખ્યાતિશ્રીને ધમકી આપનારાએ નોકરી ગુમાવી છે, કંપનીએ ઝડપથી પગલાં લઈને તેને નોકરીમાંથી છૂટો કરી દીધો છે, જે લોકોએ આમ કરવામાં મદદ કરી એ સૌનો આભાર વ્યક્ત કરું છું.

national news india bengaluru Crime News