હેલ્મેટ વગર બાઈક ચલાવતા શખ્સને પોલીસે રોક્યો, તો હાથ પર ભરી લીધું બટકું

13 February, 2024 02:15 PM IST  |  Bengaluru | Gujarati Mid-day Online Correspondent

Bengaluru Man Bites Cop : ટ્રાફિક પોલીસને મારનાર બાઈક ચાલકનો વીડિયો વાયરલ થયા બાદ બેંગલુરુ પોલીસે કરી ધરપકડ

વાયરલ વીડિયોમાંથી લેવાયેલો આરોપીનો સ્ક્રિનશૉટ

બેંગલુરુ (Bengaluru)ના રસ્તાઓ પર સામે આવેલી એક આઘાતજનક ઘટનામાં, હેલ્મેટ વિના બાઈક ચલાવતા શખ્સે ટ્રાફિક પોલીસ કર્મચારી પર હુમલો (Bengaluru Man Bites Cop) કરતો જોવા મળ્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ બેંગલુરુ પોલીસ (Bengaluru Police)એ બાઈક સવારની ધરપકડ કરી છે.

સોમવારે બેંગલુરુમાં એક ૨૮ વર્ષીય યુવકની પોલીસ સાથે ગેરવર્તન કરવા અને તેને બટકું ભરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, ૨૮ વર્ષીય સૈયદ સફી બીટીએમ બેંગલુરુનો રહેવાસી છે.

વાયરલ વીડિયો પ્રમાણે, એક વ્યક્તિ સ્કૂટર ચલાવી રહ્યો છે, તેણે હેલ્મેટ પહેર્યું નથી. જ્યારે ટ્રાફિક પોલીસકર્મીઓએ તેને રોક્યો તો તે દલીલ કરવા લાગ્યો. થોડા સમય પછી તે ગુસ્સે થઈ ગયો અને ભાગવાનો પ્રયાસ કર્યો. ટ્રાફિક પોલીસવાળાએ તે વ્યક્તિના સ્કૂટરની ચાવી લઈ લીધી હતી અને તે વ્યક્તિએ તેને છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેણે પોલીસની આંગળી પર બટકું ભર્યું હતું. આ વીડિયો સોશ્યલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, સવારે ૧૧.૩૦ થી ૧૨ વાગ્યાની વચ્ચે આરોપી બાઈક સવાર વ્યક્તિ હેલ્મેટ વિના તેના ટુ-વ્હીલર (KA 05 LN7938) પર સવારી કરી રહ્યો હતો. હેડ કોન્સ્ટેબલ સિદ્ધારમેશ્વર કૌજલગીએ તેની સામે કેસ નોંધવા માટે તેના મોબાઈલ ફોન પર તેનો ફોટોગ્રાફ ક્લિક કર્યો હતો. સફીએ કથિત રીતે પહેલા પોલીસકર્મીનો ફોન છીનવી લીધો અને પછી પૂછ્યું કે તેનો ફોટો કેમ લેવામાં આવી રહ્યો છે. આ પછી આરોપી વ્યક્તિએ સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ પણ કર્યો હતો પરંતુ પોલીસે તેને પકડી લીધો હતો. પોલીસે જણાવ્યું હતું કે, આરોપી વ્યક્તિએ વિલ્સન ગાર્ડનમાં અધિકારીનો ડાબો હાથ પકડી લીધો હતો અને તેની આંગળી પર બટકું ભર્યું હતું, જેના કારણે ઈજા થઈ હતી.

આ ઘટના બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. વિલ્સન ગાર્ડન પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતા (આઈપીસી) કલમ ૩૯૨ (લૂંટ માટે સજા), ૩૪૧ (ખોટી સંયમ માટે સજા), ૩૩૨ (સ્વેચ્છાએ જાહેર સેવકને તેની ફરજથી અટકાવવા માટે નુકસાન પહોંચાડવું), ૩૫૩ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ૫૦૪ (શાંતિના ભંગને ઉશ્કેરવાના ઈરાદા સાથે ઈરાદાપૂર્વક અપમાન) અને ૫૦૬ (ગુનાહિત ધાકધમકી માટેની સજા) જાહેર સેવકને તેની ફરજ નિભાવતા અટકાવવા હુમલા માટે આરોપી વિરુધ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

પોલીસ પર હુમલો કરનાર શખ્સનો વીડિયો વાયરલ થયા બાદ સોશ્યલ મીડિયા પર લોકો તેના પર રોષે ભરાયાં છે. એટલું જ નહીં, આવું કૃત્ય કરવા બદલ તેની આલોચના પણ કરવામાં આવી રહી છે.

bengaluru viral videos social media social networking site national news