બૅન્ગલોરમાં કપલ માટે રસ્તા પર ચાલવાની મનાઈ?

12 December, 2022 09:03 AM IST  |  Bangalore | Gujarati Mid-day Correspondent

બૅન્ગલોરમાં રાત્રે સાડાબાર વાગ્યે રસ્તા પર ચાલનારા કપલે ભરવો પડ્યો દંડ, તેઓ મિત્રના ઘરેથી પાછાં ફરી રહ્યાં હતાં ત્યારે પોલીસની વૅને તેમને અટકાવીને જબરદસ્ત હેરાનગતિ અને ધાકધમકી આપ્યા બાદ હજાર રૂપિયા દંડ ભરાવીને ઘરે જવા દીધાં.

ફાઇલ તસવીર

પોલીસ-કમિશનરે આપ્યો આખી ઘટનાની તપાસનો આદેશ

કર્ણાટકના બૅન્ગલોરમાં એક કપલે ગુરુવારે રાતે ૧૨ વાગ્યા બાદ તેમના ઘરની પાસે સ્ટ્રીટમાં ચાલવા બદલ ‘દંડ’ ભરવો પડ્યો હતો. પોલીસે આ કપલને પરેશાન કરીને તેમને પેમેન્ટ-ઍપ પેટીએમ દ્વારા ૧૦૦૦ રૂપિયા ચૂકવવાની ફરજ પાડી હતી. આ કપલ એક બર્થ-ડે પાર્ટીમાંથી ઘરે જઈ રહ્યું હતું.

પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને સમ્પિગેહાલી પોલીસ-સ્ટેશનમાં કામ કરતા એક કૉન્સ્ટેબલ અને એક હેડ કૉન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. કાર્થિક પત્રી નામના એક યુવકે ટ્‍વિટર પર તેની સાથે બનેલી આ ઘટના જણાવી હતી અને બૅન્ગલોર સિટી પોલીસ કમિશનર પાસેથી મદદ માટે વિનંતી કરી હતી.

પત્રીએ જણાવ્યું હતું કે ‘મારી વાઇફે અને મારે એક આઘાતજનક ઘટનાનો સામનો કરવો પડ્યો છે. રાતે લગભગ સાડાબાર વાગ્યા હતા. મારી વાઇફ અને હું ફ્રેન્ડ્સની કેક-કટિંગ સેરેમની અટેન્ડ કરીને ઘરે પાછાં ફરી રહ્યાં હતાં.

અમે અમારા એન્ટ્રન્સ ગેટથી થોડાક ​મીટરના અંતરે હતા ત્યાં જ એક પૅટ્રોલિંગ વૅન અમારી પાસે ઊભી રહી હતી. એમાંથી પોલીસ યુનિફૉર્મમાં બે પુરુષો ઊતર્યા હતા. તેમણે અમારા આઇડી કાર્ડ માગ્યાં હતાં. અમને આઘાત લાગ્યો હતો. શા માટે સામાન્ય સંજોગોમાં સ્ટ્રીટમાં ચાલી રહેલા એક ઍડલ્ટ કપલ પાસેથી તેમનાં આઇડી કાર્ડ માગવામાં આવે?’

આ કપલે પોલીસને તેમનાં આધાર કાર્ડ ફોટોગ્રાફ્સ બતાવ્યા હતા. એ પછી પોલીસે તેમના ફોન જપ્ત કરી લીધા હતા અને તેમને પર્સનલ વિગત પૂછવા લાગ્યા હતા.

પત્રીએ કહ્યું કે ‘અમે થોડા ડરી ગયા હતા. અમે તેમના સવાલના નમ્રતાપૂર્વક જવાબ આપ્યા હતા. આ તબક્કે એક જણ ચલાન-બુક જેવું કંઈક લઈ આવ્યો હતો. કંઈક મુશ્કેલી સર્જાવાનો ભય લાગતાં અમે પૂછ્યું કે શા માટે ચલાન ઇશ્યુ કરી રહ્યા છો.’

એમાંથી એક જણે તેમને જણાવ્યું કે રાતે ૧૧ વાગ્યા બાદ રસ્તા પર ફરવાની મંજૂરી નથી. જોકે આવા કોઈ રૂલ હોવાની વાત સાથે તેઓ સંમત નહોતા છતાં આ કપલે ઘર્ષણ નહીં કરવાનો નિર્ણય કર્યો હતો, કેમ કે રાતે સાડાબાર વાગી ગયા હતા અને તેમના ફોન્સ જપ્ત કરી લેવામાં આવ્યા હતા.

આ કપલે આવા રૂલથી તેઓ અજાણ હોવાનું જણાવીને માફી માગી હતી છતાં પોલીસે તેમને જવા દેવાની ના પાડી હતી અને તેમને ૩૦૦૦ રૂપિયાનો દંડ ભરવા જણાવ્યું હતું. કપલ પોલીસ સમક્ષ ઘણું કરગર્યું હતું, પણ એની કોઈ અસર પોલીસ પર નહોતી થઈ. એમાંથી એક પોલીસમૅને પત્રીને સાઇડ પર લઈ જઈને કહ્યું કે કોઈ મુશ્કેલી ન થાય એટલે મિનિમમ રકમ ચૂકવી દો. પછી પત્રી ૧૦૦૦ રૂપિયા ચૂકવવા સંમત થયો હતો.

પત્રીએ કહ્યું કે ‘મેં પેમેન્ટ કર્યું અને કડક ચેતવણી આપીને અમને જવા દેવામાં આવ્યાં હતાં.’

national news bengaluru