29 December, 2022 10:49 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બૅન્ગલોર : કર્ણાટક કૉન્ગ્રેસના પ્રમુખ ડી. કે. શિવકુમારે કહ્યું હતું કે મુખ્ય પ્રધાન બસવરાજ બોમ્મઈએ મહારાષ્ટ્ર સાથેના સરહદ વિવાદ પર કેન્દ્રમાં રજૂઆત કરવા તરત જ સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ લઈ જવું જોઈએ. તેઓ જે નિવેદન કરી રહ્યાં છે એનો કોઈ અર્થ નથી. મુખ્ય પ્રધાને તાજેતરમાં કર્ણાટક મહારાષ્ટ્રને એક ઇંચ પણ જમીન નહીં આપે એવા નિવેદન પર પ્રતિક્રિયા આપતાં શિવકુમારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને આ મામલે જાહેરમાં આશ્વાસન આપવા જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે મુખ્ય પ્રધાન માત્ર નિવેદન આપી રહ્યાં છે.
મહારાષ્ટ્ર વિધાનસભાના ઠરાવને બેજવાબદાર ગણાવતાં બોમ્મઈએ મંગળવારે કહ્યું હતું કે રાજ્યની એક ઇંચ જમીન પણ છોડવામાં નહીં આવે. મહારાષ્ટ્ર વિધાનસભાએ મંગળવારે સર્વસંમતીથી કર્ણાટકનાં ૮૬૫ મરાઠીભાષી ગામોને મહારાષ્ટ્રમાં સમાવવા માટે કાયદેસર રીતે આગળ વધવા માટેનો ઠરાવ પસાર કર્યો હતો. છેલ્લાં કેટલાંક સપ્તાહથી આ વિવાદ ભડક્યો હતો. બન્ને રાજ્યોનાં વાહનોની તોડફોડ કરવામાં આવી હતી. કન્નડ તરફી અને મરાઠી કાર્યકરોની ધરપકડ પણ કરવામાં આવી હતી.