26 January, 2023 01:04 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
જામિયા મિલિયા ઇસ્લામિયાના કૉલેજ કૅમ્પસની બહાર પોલીસ-બંદોબસ્ત
નવી દિલ્હી : નરેન્દ્ર મોદી પર બીબીસીએ બનાવેલી વિવાદાસ્પદ ડૉક્યુમેન્ટરીની નવી દિલ્હીના જામિયા મિલિયા ઇસ્લામિયાના કૉલેજ કૅમ્પસમાં સ્ટુડન્ટ્સ ફ્રન્ટ ઑફ ઇન્ડિયા દ્વારા સ્ક્રીનિંગની કરવામાં આવેલી ઘોષણાને પગલે ૭ સ્ટુડન્ટ્સની અટક કરવામાં આવી છે. બીજી તરફ યુનિવર્સિટીએ સ્પષ્ટતા કરી છે કે આવી કોઈ ફિલ્મના પ્રદર્શન માટે મંજૂરી માગવામાં આવી નથી. એમ છતાં પ્રદર્શન કરનાર આયોજકો સામે પગલાં લેવામાં આવશે. દિલ્હી પોલીસે સ્પષ્ટતા કરી હતી કે વિદ્યાર્થીઓની અટક ૨૬ જાન્યુઆરીની ઉજવણી માટે સુરક્ષાના આગોતરા પગલારૂપે કરવામાં આવી છે. બુધવારે દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં પણ આયોજકોએ આ ડૉક્યુમેન્ટરીનું પ્રદર્શન રાખ્યું હતું, જેમાં સ્ટુડન્ટ્સે દાવો કર્યો હતો કે ઇલેક્ટ્રિસિટી અને ઇન્ટરનેટ કનેક્શન કટ કરી દેવામાં આવ્યું હતું અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
ફિલ્મને ‘ખોટો દાખલો’ બેસાડનારી કહેનારા ઍન્ટનીના દીકરાએ છોડી દીધી કૉન્ગ્રેસ
નવી દિલ્હી : કૉન્ગ્રેસના દિગ્ગજ નેતા અને કેરલાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એ. કે. ઍન્ટનીના પુત્ર અનિલ ઍન્ટનીએ કૉન્ગ્રેસમાંથી રાજીનામું આપતાં એના કારણમાં તેમણે કહ્યું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર તૈયાર કરાયેલી ડૉક્યુમેન્ટરી ફિલ્મ સામે વિરોધ નોંધાવ્યા બાદ મારા પર ટ્વિટર પરથી પોસ્ટ હટાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું, જેને કારણે કૉન્ગ્રેસમાં મારી પોસ્ટ પરથી મેં રાજીનામું આપી દીધું છે. અભિવ્યક્તિની આઝાદી માટે લડનારા જૂથ દ્વારા ટ્વીટ દૂર કરવા માટેના ફોનને મેં નકાર્યા છે.’
આ પણ વાંચો : આ લોકો બીબીસીની નરેન્દ્ર મોદી વિરોધી ડૉક્યુમેન્ટરી માટે આટલા આતુર કેમ?
આ મુદ્દે કૉન્ગ્રેસ પાર્ટી અને એના નેતા રાહુલ ગાંધીથી અલગ મંતવ્ય ધરાવતા અનિલ ઍન્ટનીએ કહ્યું કે ‘ભારતીય સંસ્થાનો પરના બ્રિટિશ બ્રૉડકાસ્ટરના વિચારોને મહત્ત્વ આપવાથી દેશનું સાર્વભૌમત્વ નબળું પડશે.’
કૉન્ગ્રેસના કેરલા એકમે ૨૦૦૨માં ગુજરાતમાં થયેલાં કોમી રમખાણો પરની દસ્તાવેજી ફિલ્મના સ્ક્રીનિંગની જાહેરાત કરી હતી. અહીં એ જાણવું જરૂરી છે કે કેન્દ્ર સરકારે શુક્રવારે વડા પ્રધાન મોદીની ટીકા કરતી બીબીસીની ડૉક્યુમેન્ટરી શૅર કરતી ટ્વીટને તેમ જ એને શૅર કરતી યુટ્યુબ પરની લિન્કને બ્લૉક કરવાનો આદેશ આપ્યો હતો.